________________
કેવળી પ્રભુનો સાથ
સમ્યકત્વમાં પ્રગટેલાં આંશિક લક્ષણો વિકસાવવા પ્રયત્નો કરે છે, એ લક્ષણો વિશેષતાએ પ્રગટાવવા મુનિ પોતામાં દેખાતા દોષો માટે આલોચના, નિંદા, ગહ કરી દોષથી પર બનવા ઉત્તમ પુરુષાર્થ કરે છે. સાથે સાથે પોતામાં સાકાર થઈ રહેલા આત્મગુણોને વર્ધમાન કરવા સામાયિક, ચોવિસંથ્થો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યક નિયમિતપણે કરે છે. તેના પ્રભાવથી મુનિમાં ગુરુ પ્રતિનો પૂજ્યભાવ વધે છે, અને તેને વ્યક્ત કરવા મુનિ સ્તુતિમંગલ કરે છે. આ બધી ક્રિયાઓ નિયત કાલે કરતા રહી મુનિ, આત્મા સતત સાચી આદતે વર્તે એ નક્કી કરે છે, કારણ કે ક્રિયાનું નિયમિતપણે એ સ્વ તથા પર બંને માટે વિકાસ કરવામાં સહાયકારી તત્ત્વ છે. આમ કરવામાં કરેલી ભૂલો માટે પ્રાયશ્ચિત લેવું, ક્ષમાપના કરવી એ બે ક્રિયા વિશુદ્ધિ કરવા માટે જરૂરી છે. કરેલી ભૂલો માટે પ્રાયશ્ચિત લેવાથી અને ક્ષમાપના કરવાથી જીવ હળવો થાય છે, કર્મભાર ઘટતો હોય એવો અનુભવ થાય છે. આવી હળવાશ આવતાં મુનિ સ્વાધ્યાય, વાચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથાનો આશ્રય કરી જ્ઞાન તથા દર્શનનાં આવરણો ક્ષીણ કરે છે. સ્વાધ્યાય આદિ કરવાની સાથે શ્રુતની આરાધના થાય છે, એ આરાધન કરવામાં મનની એકાગ્રતા હોય તો ઊંડાણ આવે છે, અને જે સમજણ વધે છે તેનું પાલન કરવાથી સંયમ વધે છે, તપશ્ચરણ પણ થાય છે અને પરિણામે આત્માની વિશુદ્ધિ મળે છે.
આવી વિશુદ્ધિ મેળવવાથી જીવને થતા લાભ ઓગણત્રીસમાં સૂત્રમાં વર્ણવ્યા છે. વ્યવદાન એટલે આત્માની વિશુદ્ધિ. જેમ જેમ કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે, આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે ઘાતકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત ઘાતકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે. અને જ્યારે આત્મા સંપૂર્ણ કષાય-ત્યાગ કરે છે ત્યારે તે અક્રિય (મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ રહિત) થાય છે. આવી અક્રિયતા આત્માને ચૌદમા ગુણસ્થાને આવે છે. અક્રિય થવાથી આત્મા સિદ્ધ થાય છે. પુદ્ગલાદિ સર્વ પદાર્થોનો સંગ છૂટતાં જે મેળવવા યોગ્ય છે તે સર્વ આત્માએ
૧૫૮