________________
સમ્યકત્વ પરાક્રમ
અભય આપે છે. આમ અહીં ક્ષમાપનાનું ફળ મૈત્રીભાવ અને ભાવવિશુદ્ધિ થતાં થતાં અભયપણું બતાવ્યું છે, તે ખૂબ જ મનનીય છે, કારણ કે સમસ્ત જીવ સંસારમાં ભયથી ફફડતા જ રહે છે. અને તેમને તેનાથી છૂટવાનો ઉપાય સહેલાઈથી મળતો નથી.
મુનિ પ્રાયશ્ચિત તથા ક્ષમાપનાનો સાચો ઉપયોગ કરે છે, ત્યારે તેમનામાં સર્વ જીવ સાથેનો મૈત્રીભાવ વધે છે, ભાવવિશુદ્ધિ થાય છે, ચારિત્ર ખીલતું જાય છે, એટલે નિર્ભયપણું વધે છે. બીજી બાજુ આ બે સાધનામાં જીવનો માનભાવ પણ ઘણો ઘટે છે. જ્યારે માનભાવ તૂટે ત્યારેજ જીવ વિનમ્ર બની પોતાના દોષ ખુલ્લા કરી તેનાથી છૂટવા પ્રાયશ્ચિત માગી શકે છે.
પ્રાયશ્ચિત તથા ક્ષમાપના લઈ મુનિ માનભાવ ત્યાગી હળવા બને છે. મોહક્ષયના અનુસંધાનમાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો ઘટાડવા મુનિ તત્પર થાય છે. જ્ઞાનનાં આવરણો ક્ષય થાય એવાં છે તત્ત્વો આ પછીનાં છ સૂત્રોમાં વર્ણવી આરાધનાનું ઊંડાણ વધે એવી સમજણ અપાઈ છે. સૂત્ર ૧૯ થી ૨૪માં સ્વાધ્યાય તપની છ વિવિધ સ્થિતિ બતાવી છે. સ્વાધ્યાય, વાંચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા.
ઓગણીસમા સૂત્રમાં “સ્વાધ્યાયથી જીવને શું ફળ મળે છે?' એ પ્રશ્ન માટે સમજણ આપી છે કે, “સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.” સ્વાધ્યાય એટલે સ્વનો અભ્યાસ. આત્માને પોતાનો અનુભવ કરવામાં સ્પષ્ટતા આપે, મોક્ષમાર્ગની જાણકારી આપે એવા શાસ્ત્રો, સૂત્રો આદિ સગ્રંથોનો અભ્યાસ સ્વાધ્યાયમાં કરવામાં આવે છે. મુનિને કે અન્યજીવને આત્માસંબંધી સાચું સમજવાની ઝંખના જેમ જેમ બળવાન અને ઊંડી થતી જાય છે, તેમ તેમ તેનાં જ્ઞાનનાં આવરણો પતલાં થતાં જાય છે, અને જ્યારે અનુભવમૂલક એવાં શાસ્ત્રો તથા ગ્રંથોનો પરિચય કરવામાં આવે છે ત્યારે તે આવરણો ક્ષીણ થઈ જ્ઞાનનો ઉઘાડ કરાવે છે. આ સમજણ વધવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવામાં આવે છે, તે સ્વરૂપ મેળવવા માટેના ઉપાયો લક્ષગત થાય છે. અને એ ઉપાય યોજી જીવ સસ્વરૂપનો અનુભવ કરવા માટે ભાગ્યશાળી થાય છે. આમ સ્વાધ્યાય કરવાથી, અર્થાત્ ઉત્તમ ગ્રંથોનો સ્વકલ્યાણ અર્થે અભ્યાસ કરવાથી જીવ
૧૪૯