________________
કેવળી પ્રભુનો સાથ
દૃઢ ટેવ પડી જાય છે કે તે સિવાયનું કોઈ કાર્ય કરવાની તે સમયે તેને ઇચ્છા જ થતી નથી. આમ સર્વ અન્ય પ્રવૃત્તિઓ પણ નિયમિતપણે કરતા રહેવાથી નિરંકુશ મન અંકુશમાં રહી અન્ય વિભાવોમાં દોડતું અટકી જાય છે. આમ મનને અંકુશમાં લાવવા માટે નિયમિતપણે નિયત સમયે પ્રવૃત્તિ કરતા રહેવું એ સદુપાય છે. વળી, મુનિ યોગ્ય સમયે યોગ્ય આચરણ કરે એટલે કે તે પોતાના કર્તવ્યભાન સહિત વર્તે; તો તેને લીધે અન્ય શ્રાવક આદિ જીવોને પણ તેમના નિમત્તે કષ્ટ થતું નથી, કારણ કે શ્રાવકાદિ જીવો માટે સત્સંગનો સમય નિયત થવાથી તેઓ પણ પોતાની વ્યાવહારિક વર્તનાનું નિયમિતપણું કરી સત્સંગનો લાભ યથાર્થપણે લઈ શકે. એ ઉપરાંત નિયત સમયે નિયત કાર્ય કરવાની ટેવ પાડવાથી, મુનિની સંસારી પદાર્થો પ્રત્યેની, દૈનિક દિનચર્યા વિશેની સુખબુદ્ધિ સહજતાએ ઘટતી જાય છે, કારણ કે કાલપ્રતિલેખનામાં ઇચ્છા કરતાં કર્તવ્ય અને ઉદયને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. પરિણામે ક્રિયા કરવાનો સમય થતાં તેમને તેમાં ખૂબ ઉપયોગ પૂર્વક જોડાવું પડતું નથી, મોટાભાગની ક્રિયાઓ ઉદયગત થતી જાય છે, કારણકે તેમની ઇચ્છા સંયમિત બની પૂર્વ કર્મની નિર્જરા વધારવામાં તથા નવીન કર્મનો આશ્રવ તોડવામાં નિમિત્તરૂપ થાય છે. તેનાથી સંસારી પદાર્થો તથા અન્ય પ્રવૃત્તિઓ તરફનો ભાવ નિસ્પૃહ થતો જાય છે, એના પ્રતિ રહેલી તેમની સુખબુદ્ધિ ઘટતી જાય છે, અને એમાં જેટલો ઘટાડો થાય તેટલો તેમનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધતો જાય છે.
આ બધી સમજણ સાથે મુનિ પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની શુદ્ધિ વધતી જાય તે માટે પૂર્વે કરેલી ભૂલોની પશ્ચાતાપના કરી, ભૂલ કરનાર આત્માની નિંદા, ગહ કરી કર્મભાર હળવો કરે છે, સાથે સાથે છએ આવશ્યક નિયમિતપણે નિયત સમયે કરી, મોહનીય સાથે જ્ઞાનાવરણ આદિ કર્મનો પણ વિશેષ ક્ષયોપશમ કરવા ભાગ્યશાળી બને છે. તેમ છતાં તેમની છદ્મસ્થ અવસ્થામાં શેષ રહેલા આવરણના કારણે કંઈ ને કંઈ દોષ પ્રવૃત્તિ થઈ જાય, કર્મ બંધન કરવાની દશા આવી પડે તે સહજ છે, સ્વાભાવિક છે. આવા સંજોગોમાં તેનાથી છૂટવાના ઉપાય રૂપ આ પછીનાં બે સૂત્રો – સત્તરમું તથા અઢારમું સૂત્ર રચાયાં હોય તેમ જણાય છે. આ સૂત્રો મનનીય છે.
૧૪૬