________________
સમ્યકત્વ પરાક્રમ
ફળરૂપે તે જીવમાં કષાયોને સંયમિત કરવાનું, કષાયોને અનુદિત રાખવાનું સામર્થ્ય વધતું જાય છે. આ સામર્થ્યના આધારે તે જીવ પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે બીજા પ્રકારનું સમકિત અથવા પ્રથમ ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે. આટલા કાળ માટે તે ચોથા ગુણસ્થાને રહે છે, અને જ્યારે કષાયનો કે મિથ્યાત્વનો ઉદય થાય ત્યારે તે ચોથા ગુણસ્થાનથી વ્યુત થાય છે.
તે જીવને જો મિથ્યાત્વનો ઉદય થાય તો તે ચોથા ગુણસ્થાનથી નીકળી, ત્રીજા ગુણસ્થાને આવી સીધો પહેલા ગુણસ્થાને ઉતરી જાય છે, અને જો તેને અનંતાનુબંધી કષાયનો ઉદય આવે તો તે ચોથા ગુણસ્થાનેથી ત્રીજે આવી, બીજા ગુણસ્થાને થઈ પહેલા ગુણસ્થાને આવે છે. બીજા ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય આવતાં પહેલા ગુણસ્થાને ઉતરે છે, તે પહેલાં તેને મિથ્યાત્વનો ઉદય ન હોવાથી – અલ્પકાળ માટે એટલે કે એક સમયથી છ આવલિકા સુધીના કાળ માટે તેને સમકિતનો – આત્માના અનુભવનો સ્વાદ રહે છે. આથી આ બીજા ગુણસ્થાનને સાસ્વાદન કે સાસાદન ગુણસ્થાન કહે છે.
નિશ્ચયથી વ્યવહાર સમકિત એ સમ્યત્વ પરાક્રમનું જેમ બીજું પગથિયું છે, તેમ ઉપશમ સમકિત એ સમ્યત્વ પરાક્રમનું ત્રીજું પગથિયું છે.
ઉપશમ સમકિત સુધી આવ્યા પછી જીવને સદ્ગુરુ પાસેથી વિશેષ સ્પષ્ટ માર્ગદર્શન મળે છે, અથવા તો સગુના માર્ગદર્શનને તે જીવ વિશેષ સ્પષ્ટતાથી સમજી શકે છે, આમ સગુરુનું માર્ગદર્શન સમજવા માટે જીવ વધારે પાત્ર થતો જાય છે. આ દશાએ સત્તાગત ઘાતકર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમની રહેવા સાથે થતાં નવા બંધ પણ અંત:કોડાકોડી સાગરોપમના જ બંધાય છે. આટલી થયેલી વિશુદ્ધિના પ્રભાવથી સદ્ગુરુ પ્રતિના પ્રેમ તથા શ્રદ્ધા તો વધે જ છે, પણ સાથે સાથે અર્પણભાવની પણ શરૂઆત થાય છે, “હે ગુરુદેવ! હું તમારે શરણે છું, મારે કર્મની જાળથી છૂટવું છે.” આમ પ્રથમ રત્ન ‘પ્રાર્થના' નું મહાભ્ય તે જીવ અંતરમાં વેદે છે.
૧૦૯