________________
સમ્યકત્વ પરાક્રમ
માટે ક્ષમાપના તેના જેટલો જ કે તેથી પણ વધારે ઉપકાર કરે છે, વળી કર્મના ઉદયની વચ્ચે રહીને પણ સ્વરૂપમાં સ્થિર થઈ સંવર તથા નિર્જરા એ બંનેનું જોર વધારવામાં મંત્રસ્મરણ ખૂબ ઉપકારી થાય છે – આમ પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ એ ત્રણે અંગની તાત્વિક સમજણ તેને મળતી જાય છે. જેમ જેમ આ સમજણ સ્પષ્ટ થતી જાય છે, તેમ તેમ આ ત્રણેનો વિશેષ છતાં વિશદ ઉપયોગ કરતાં તે જીવ શીખતો જાય છે.
જે કાળે જીવ સ્મરણમાં સ્થિર રહી શકતો નથી તે કાળે પોતાને આ અનિચ્છનીય દશામાંથી છોડાવી, સ્થિર કરવા તે જીવ શ્રી પ્રભુને હૃદયથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાના પ્રભાવ તથા ફળરૂપે પોતાનું વીર્ય ખીલવી પુરુષાર્થ કરવા તે કટિબદ્ધ થાય છે. સાથે સાથે તે પોતાના હીનવીર્ય માટે, તથા જે કર્મને કારણે પોતે હીનવીર્ય થયો તે કર્મ માટે પણ તે પશ્ચાત્તાપપૂર્વક શ્રી પ્રભુ પાસે ક્ષમા માગે છે. આ ઉપરાંત તે પોતાનું વીર્ય બળવાન કરવા પ્રાર્થના પણ કરતો જાય છે. આમ કરતાં કરતાં શ્રી પ્રભુની પ્રેરણાથી તેનામાં એવા ભાવ જાગે છે કે, “પ્રભુ! મારે તારા જેવું થવું છે.” આ પ્રાર્થના તેને ખૂબ ઉપકારી થાય છે. આવી પ્રાર્થના કરવાથી તેનું વીર્ય ખૂબ ઉલસે છે, અને તે અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં કરતાં આત્માને દેહથી છૂટા પાડવાની પ્રક્રિયાનો સમય ક્રમે ક્રમે વધારતો જાય છે. અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનાં દળિયાં લાંબા ગાળા સુધી દબાવી રાખતાં અને ક્રમે ક્રમે ક્ષીણ કરતાં શીખે છે. આમ વિકાસ કરતાં કરતાં એવો સમય આવે છે કે તે જીવ એક મુહૂર્તકાળ (અડતાલીસ મિનિટ) સુધી દેહાદિ પરપદાર્થોથી ભિન્ન રહી શકે છે. અને તે એટલો વીર્યવાન થઈ જાય છે કે દેહમાં લિપ્તપણું દેખાવા છતાં પોતે દેહથી ભિન્ન છે એવી સભાનતા ટકાવી શકે છે. દર્શનમોહની ત્રણે પ્રકૃતિને દબાવ્યા પછી, સમ્યક્ત્વ મોહનીય સિવાયની મિથ્યાત્વ મોહનીય કે મિશ્ર મોહનીય પ્રકૃતિને ઉદયમાં આવવા દેતો નથી.
જીવ જ્યારે અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે, અને અનિવૃત્તિકરણના અંતભાગમાં અંતરકરણ કરી એક મુહૂર્ત માટે મિથ્યાત્વને ઉદયમાં આવવા દેતો નથી, ત્યારે તે સમ્યકત્વને મેળવે છે. અંતરકરણના આ કાળમાં જીવ
૧૧૩