________________
કેવળી પ્રભુનો સાથ
મુનિ આવશ્યકની સહાયથી ચારિત્રને વધારે ને વધારે શુદ્ધ કરતા જાય છે. પરિણામે કર્માશ્રવ ઘટતો જાય છે અને સંયમની સ્થિરતા વધતી જાય છે.
આ રીતે સજાગ મુનિ આવશ્યકના સાધનનો લાભ લઈ પાપને પ્રવેશ કરવાના નાળા ટાળે છે. સામાયિકની સહાયથી વિભાવ તેમજ વિષમભાવ ત્યાગે છે; શ્રી તીર્થકર પ્રભુની સ્તુતિની સહાયથી દર્શનની અશુદ્ધિ ટાળે છે, વંદનાથી નીચ ગોત્રનો ક્ષય કરતા જાય છે, અને પ્રતિક્રમણના સાથથી લીધેલા વ્રતોમાં લાગતાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર દોષથી છૂટતા જાય છે. આ પ્રકારે પાપને પ્રવેશ કરવામાં છિદ્રો બૂરી, મુનિ પોતાનાં ફરતું એક પ્રકારનું ચારિત્રનું કવચ તૈયાર કરે છે. એટલે કે પહેલાં સંવરને ખૂબ મજબૂત કરે છે. તે પછી પૂર્વે બાંધેલા કર્મો આત્મપ્રદેશ પરથી ખેરવવા પ્રવૃત્ત થાય છે. કર્મ જેના કારણે મુખ્યતાએ બંધાય છે તે કાયના મમત્વને ત્યાગવા (મોહનો નાશ કરવા) આરાધના આરંભે છે. તેરમા સૂત્રના પ્રશ્ન, ‘કાયોત્સર્ગ (થોડા વખત માટે દેહોત્સર્ગ – દેહભાવનું વિસર્જન કરવા) થી જીવને શું મળે?' ના ઉત્તરમાં કહ્યું છે કે, “કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિતયોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિતથી વિશુધ્ધ બનેલો જીવ પોતાનો ભાર દૂર કરનાર ભારવાહકની જેમ નિવૃત્ત હૃદય (શાંત) બને છે. અને પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચારે છે.”
કાયોત્સર્ગ એ પ્રભુએ જણાવેલા બાર પ્રકારનાં તપમાનું એક તપ છે. તે તપમાં દેહભાવ ત્યાગવાનો પુરુષાર્થ મુનિ કરે છે. તેમાં એકાસને સ્થિર થઈ, મુનિ આત્મચિંતવનમાં એકાગ્ર બની કાયાનું મમત્વ છોડવા પુરુષાર્થ થાય છે. આત્મચિંતવન અને આત્મશોધનની ક્રિયામાં એકાગ્ર થતાં જે જે દોષ કે અતિચાર થયેલા જણાય તેનો પશ્ચાતાપ કરી શુદ્ધિકરણ કરે છે. પશ્ચાતાપ કરી, દોષની ક્ષમા માગી, તેવી ભૂલ ફરીથી ક્યારેય ન થાય તે માટે મુનિ પ્રભુની કૃપા માગે છે. આમ કરવાથી અશુભ કૃત્યનો જે ભાર તેમના મનમાં વેદાતો હોય છે તે નીકળી જાય છે, અને મુનિ હળવા થઈ, સ્વરૂપની સ્થિરતા મેળવે છે. આ સ્થિરતામાં આશ્રવ ઘણો અલ્પ અને નિર્જરા ઘણી બળવાન થાય છે. પરિણામે તે મુનિ વિશિષ્ટ પ્રકારે હળવાશ અનુભવે છે.
૧૪૨