________________
કેવળી પ્રભુનો સાથ
પામે છે. સર્વ જનનો પ્રિય બને છે. તેની આજ્ઞા બધા માને છે, તે જનતાથી દાક્ષિણ્ય – અનુકૂળતા પામે છે.”
વંદના એ પ્રભુએ જણાવેલું ત્રીજું આવશ્યક છે, પ્રભુ પ્રતિ પૂજ્યભાવ વેદવાથી તથા તીર્થંકર પ્રભુના ગુણો તથા તેમના સુખની માત્રાનો લક્ષ થવાથી મુનિ પ્રભુને વંદના કરે છે ત્યારે લગભગ આ પ્રકારના ભાવો તેમના મનમાં ૨મે છે, “હે પ્રભુ! મારે તમારા જેવા સુખી થવું છે. મને સુખી કરો. આ સુખ મેળવવામાં આડા આવતા સર્વ કર્મો માટે હું ખૂબ પશ્ચાતાપ કરી ક્ષમા માગું છું. મને ક્ષમા આપશો. અને આપના જેવું સુખ મેળવવામાં વિઘ્નરૂપ થાય એવું એક પણ નવું કર્મ હું બાંધું નહિ એવી કૃપા ઉદારદિલથી મારા પર વરસાવી, એ માટેની સાવચેતી મને આપશો.” આવા ભાવથી વંદના કરવાથી જીવ પોતામાં રહેલા માનભાવને તોડી શકે છે. પ્રભુ પ્રતિના અહોભાવમાં પોતાની અલ્પતાનું ભાન કરી તે નમ્ર થતો જાય છે, મદ તોડતો જાય છે. સંસારમાં કોઈ પણ પ્રકારે જીવ મદ કે માનભાવ વેદે છે, તેને કારણે તે નીચ ગોત્રનો બંધ કરે છે. ત્યારે અહોભાવ અને પૂજ્યભાવથી વંદના કરવાથી જીવ માનરહિત થઈ, પ્રભુ પ્રતિ ઉપકારભાવ વેદી, પ્રભુ આવો ઉપકાર સતત પોતા પર કરતા જ રહે એવો અભિલાષ સહજપણે વેદે છે. આવા ભાવથી તેનું નીચગોત્રનું બંધન ક્ષય થતું જાય છે, અને ઉચ્ચ ગોત્ર બંધાતું જાય છે. પ્રભુ તરફથી પોતાને સતત ઉપકાર મળતો રહે એવા ભાવના અનુસંધાનમાં વાસ્તવિક જીવનમાં એ સાથ અને સહકારના કારણે મુનિ અપ્રતિહત – કદી પણ નાશ ન પામે તેવું સુભાગ્ય (મોક્ષ) મેળવી શકે છે.
વળી ભાવપૂર્વકની વંદનાથી વિનય તથા નમ્રતાના ગુણો ઘણા મોટા પ્રમાણમાં ખીલે છે. આ ગુણોના પ્રભાવથી તે સર્વના પ્રિય પાત્ર થાય છે, તેનું કહ્યું ક૨વા બધા ઇચ્છે છે અને સર્વ પ્રકારે તે મુનિ સાનુકૂળતા માણે છે. આ પ્રકારે ઉત્તમોત્તમ આત્માને લઘુતા વેદી વંદન કરવાથી મળતું ફળ અહીં વર્ણવ્યું છે. તે દ્વારા પ્રભુના શરણમાં રહેવું તે કેવું ઉત્તમ છે તેની સમજણ અહીં પરોક્ષ રીતે આપી છે. પ્રભુના શરણમાં દઢતા વધારતા જવાથી મુનિનો અર્પણભાવ વધતો જાય છે, અને સૂક્ષ્મ પ્રમાદ પણ ઘટતો જાય છે. સ્થૂળ પ્રમાદ મુનિ મુખ્યતાએ સેવતા નથી.
૧૪૦