________________
સમ્યકત્વ પરાક્રમ
સામાયિકથી ગ્રહણ કરેલા સમભાવમાં જ્યારે મંદતા આવે ત્યારે તેઓ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તવના કરી પોતાના શુભભાવને બળવાન કરે છે. ભાવ બળવાન થતાં પ્રભુજીને વંદના કરી શરણના મહાભ્યનો સ્વીકાર કરે છે, અને પોતાનાં આંતરબાહ્ય ચારિત્રને અણિશુદ્ધ કરવા શ્રી પ્રભુને વિનવે છે, અને એ દ્વારા પોતાના કલ્યાણની પ્રવૃત્તિમાં હાનિ ન આવે એવી સજાગતા રાખવા પ્રયત્નવાન રહે છે. આમ છતાં તેમની છદ્મસ્થ દશા હોવાને લીધે તથા વર્તતા સંજ્વલન મોહના ઉદયને કારણે તેમનાથી નાના પ્રકારના દોષ થયા વિના રહેતા નથી. આ દોષ પ્રતિ અને તેનાથી થતા બંધન પ્રતિ સજાગ રહી, તે ટાળવા શ્રી પ્રભુએ સાધન આપ્યું છે. જ્યાં દોષની સંભાવના દેખાય કે તરત જ તેનું પ્રતિક્રમણ કરવું. અર્થાત્ ચારિત્રમાં શિથિલતાને કારણે નાનું પણ કાણું પડે તો તેને તરત જ પ્રતિક્રમણ કરી બૂરી દેવું. ચારિત્રને અણિશુધ્ધ રાખવા સતત પ્રયત્નવાન રહેવું એમ મુનિ તથા મુમુક્ષુ માટે કર્તવ્ય ગણાવ્યું છે. જો આમ કરવામાં ન આવે તો તે છિદ્ર મોટું થઈ ઉલ્કાપાત મચાવી શકે છે એવો શ્રી પ્રભુનો અભિપ્રાય છે.
ચોથા આવશ્યક એવા પ્રતિક્રમણનું ફળ બતાવતાં, બારમા સૂત્રના પ્રતિક્રમણથી (દોષોથી પ્રતિનિવર્તનથી) જીવને શું મળે?' એવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે, “પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રો રોકે છે. શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. સમિતિ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાની આરાધનામાં સતત લાગ્યો રહે છે. સંયમ યોગમાં અપૃથકત્વ (એકરસ, તલ્લીન) હોય છે. અને સન્માર્ગે સમ્યક્ સમાધિસ્થ થઈ વિચરે છે.”
પ્રતિક્રમણ એટલે સામા પૂરે તરવું. એક બાજુ જતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું. આખા લોકના જીવો મોટાભાગે કર્મબંધનના માર્ગમાં ચાલતા હોય છે; ત્યારે આ અણગાર પોતે પાળવા ધારેલા શુદ્ધ ચારિત્રમાં જે જે દોષ જાણતાં કે અજાણતાં થયા હોય તેની સમજ લઈ, તેની પશ્ચાતાપસહિત ક્ષમા માગી, સ્વીકૃત વ્રતોમાં ખામીરૂપ જે છિદ્રો જણાય તેને પુરી થે છે. આ રીતે પશ્ચાતાપ કરી મુનિ કર્મને મોટું થતું – વિસ્તૃત થતું અટકાવે છે. અને કરેલા દોષો ફરીથી ન થાય તેની કાળજી રાખે છે. આમ
૧૪૧