________________
સમ્યકત્વ પરાક્રમ
દિવસે દિવસે પાતળું થતું જાય છે; જેના આધારે તે સ્વાનુભૂતિમાં હોય ત્યારે પોતાનાં કર્મોની નિર્જરા અતિ બળવાન કરી, ત્વરાથી આત્મદશાને ઉચ્ચ કરી, ક્ષપકશ્રેણિમાં ત્વરાથી જવા ઉગ્ર પૂર્વ તૈયારી કરે છે; અને જ્યારે પ્રશસ્ત કલ્યાણભાવમાં રમતો હોય ત્યારે પોતાના અનુગામીઓને માર્ગબોધ આપી, સહાય કરતો રહી, જીવોને કલ્યાણમાર્ગમાં દોરતો રહી પૂર્વે ગ્રહણ કરેલું ઋણ ચૂકવતો જાય છે. આમ આ કક્ષાએ કોઈ પણ પરિસ્થિતિમાં જીવ આશ્રવ કરતાં નિર્જરા વધારે કરતો રહે છે. આથી આ પ્રવૃત્તિ એ સમ્યકત્વ પરાક્રમનું સાતમું અને ખૂબ અગત્યનું પગલું છે. આ અવસ્થાએ સમ્યકત્વ પરાક્રમની મહત્તા જીવ પોતે કેવી રીતે અનુભવે છે, અને બીજાને તેની સમજણ કેવી રીતે આપે છે, તેનું સુંદર પૃથકરણ આપણને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયન ‘સમ્યકત્વ પરાક્રમ” થી જાણવા મળે છે.
આ પ્રકરણમાં આર્ય શ્રી સુધર્માસ્વામી ગણધરે તેમના સુશિષ્ય શ્રી જંબુસ્વામીને સમ્યકત્વ પરાક્રમ કરવામાં ઉપયોગી થાય તેવું જે કંઈ શ્રી શ્રમણ ભગવાન મહાવીરે પ્રતિપાદન કર્યું છે, તેનું શ્રદ્ધાન કરવાથી, પાલન કરવાથી, અનેક જીવો સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વાણ પામ્યા છે અને બધાં જ દુઃખોનો અંત લાવ્યા છે, એવી સ્પષ્ટ સમજણ આપી છે. જુદા જુદા એકોત્તર પ્રશ્નોત્તર દ્વારા કયા કાર્યનું કેવું ફળ મળે છે, અને કેવી રીતે તેનું સમ્યક્ત્વ પરાક્રમ થાય છે, તેની સમજણ આપવામાં આવી છે.
સાધક જીવને ધર્મની શરૂઆત ક્યાંથી કરવી, ક્યારે કરવી, આ ધર્મપાલન કરવા માટે જે અનેક સાધનો દર્શાવ્યા છે તેનો ઉપયોગ કરવાથી તેનું શું ફળ મળે છે તે જાણવાની જોરદાર જિજ્ઞાસા હોય છે. તે જિજ્ઞાસાનું સમાધાન ચિંતન અને ગંભીર વિચારણા દ્વારા સુત્રાત્મક શૈલીમાં કરેલું છે. ધર્મ આરાધન સાથે સંબંધ ધરાવતા એકોત્તેર પ્રશ્નોની છણાવટ અહીં કરી છે. પ્રભુએ જણાવેલા આરાધવા યોગ્ય સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ તથા સાધર્મની સુશ્રુષા, આલોચના, નિંદા, ગણા.. વગેરેનું ફળ જણાવી શ્રેણિની તૈયારી કઈ રીતે થાય તે જણાવ્યું છે, અને વિકાસનાં સોપાનો સ્પષ્ટ કર્યા છે.
૧૨૩