________________
સમ્યકત્વ પરાક્રમ
સંપર્કમાં શુભ ભાવે રહેતા સર્વને મળે એવી જિજ્ઞાસા સ્વભાવિકપણે તેને થાય છે. આ ભાવ અનુકંપા તરીકે ઓળખાય છે. જેમ જેમ જીવની વિશુદ્ધિ વધતી જાય છે, તેમ તેમ શુભ ભાવનાઓનું ફલક વિસ્તૃત થતું જાય છે, તે સહજ છે. આમ આ પાંચ અંગો, સમ્યગ્દર્શનને પ્રગટ કરનારાં છે, તેને શ્રી પ્રભુએ યોગ્ય ક્રમમાં આપણને જણાવ્યા છે, તે સમજવા યોગ્ય છે.
શ્રી ઉત્તરાધ્યયન સુત્રના ૨૯મા અધ્યયન “સમ્યકત્વ પરાક્રમ” માં સમકિતના મૂળ પાંચ અંગમાના ‘શમ’ સિવાયના બીજા ચાર અંગોના આરાધનથી જીવને શું ફળ મળે છે તેવા જંબુસ્વામીના પ્રશ્નો દ્વારા અને આર્ય શ્રી સુધર્માસ્વામીએ આપેલા, શ્રી મહાવીર પ્રભુએ તે બાબત શું જણાવ્યું છે તેવા ઉત્તર દ્વારા, ઉચિત આરંભ થયેલો છે. ચારે અંગોના આરાધનના ફળરૂપે ‘શમ’ પ્રાપ્ત થાય છે, તેથી તે અંગની ખીલવણી અર્થે અને ફળ વિચારણા અર્થે આ અધ્યયનનો પાછળનો ભાગ રોકાયેલો છે.
આ અધ્યયનના પહેલા સૂત્રમાં શ્રી મહાવીર ભગવાને દર્શાવેલા સમ્યકત્વ પરાક્રમ કરવા માટેના એકોત્તેર સાધનોની યાદી આપી છે, અને બીજા સૂત્રથી મૂળ પ્રશ્નોત્તરની શરૂઆત થાય છે.
બીજા સૂત્રમાં “સંવેગથી (મોક્ષની રુચિથી) જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તર રૂપે જણાવ્યું છે કે, “સંવેગથી જીવ અનુત્તર – પરમ ધર્મશ્રદ્ધા પામે છે, પરમ શ્રદ્ધાથી શીધ્ર – જલદી સંવેગ આવે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય છે, નવાં કર્મોનો બંધ થતો નથી, અનંતાનુબંધી રૂપ તીવ્ર કષાયો ક્ષીણ થવાથી મિથ્યાત્વ વિશુદ્ધ કરીને દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઈને કેટલાય જીવ તેજ જન્મમાં સિદ્ધ બને છે, અને કેટલાક દર્શનવિશુદ્ધિથી વિશુદ્ધ થઈને ત્રીજા ભવનું અતિક્રમણ નથી કરતા.”
સંવેગ એટલે મોક્ષમાં જવાની જીવની અભિલાષા. આ ભાવની શરૂઆત મંદતાથી થાય છે, અને ક્રમે ક્રમે વધતી જાય છે, તીવ્ર થતી જાય છે. અભિલાષા બળવાન થવાની સાથે જીવનું માર્ગનું શ્રદ્ધાન વધતું જાય છે, કેમકે માર્ગારાધનથી જે અનુભવો
૧૨૭