________________
કેવળી પ્રભુનો સાથ
આવા સંજોગોમાં જીવ સામાન્યપણે બે પ્રકારના ભાવો સાથે વેદે છે. એક તરફ તે શ્રી સદ્ગુરુ માટે અહોભાવ, પ્રસન્નતા અને તેમાંથી જન્મતી શાંતિનું વેદન કરે છે; ત્યારે બીજી તરફ એ શાંતિ તથા પ્રસન્નતાને ઘાતક, બાધારૂપ એવા મિથ્યાત્વને માટે વેષભાવ પણ વેદે છે. જાગતા મિથ્યાત્વ પ્રતિના દ્વેષભાવને મજબૂત કરવા તથા ઉપકારક પ્રતિનું આકર્ષણ વિશેષ નિર્મળ કરવા શ્રી સદ્ગુરુ એ જીવને આત્માનાં છે પદની કલ્યાણરૂપ થાય એ રીતે સમજણ આપે છે. જીવને આત્માનાં અસ્તિત્વ તથા નિત્યત્વનું શ્રદ્ધાન તો આવું જ છે, પણ પોતે જે કર્મ અશાંતિરૂપે વેદે છે તેનો બાંધનારો પોતે જ છે, અને ભાવિમાં જો આ પ્રકારનાં કર્મો બાંધશે તો તેણે જ ભોગવવા પડશે એ શ્રદ્ધાન કરવામાં અર્થાત્ આત્માનાં કર્તૃત્વ અને ભોકતૃત્વ બાબતમાં જે કચાશ રહી હતી જેના કારણે પ્રત્યેક પ્રતિકુળ સંજોગ માટે તે નિમિત્તને દોષ આપતો હતો તેની સુધારણા કરાવવા માટે શ્રી સદ્ગુરુ તેને આશ્રવ, સંવર, તથા નિર્જરા એ ત્રણ ભાવનાઓની સામાન્યપણે સમજણ આપે છે. તેઓ જીવને સમજાવે છે કે વર્તમાન સારી કે નરસી સ્થિતિમાં મૂકાવા માટે તારી પૂર્વ વર્તના જ જવાબદાર છે, નિમિત્તને દોષ દેવાથી તારી સ્થિતિમાં કોઈ સુધારો થશે નહિ, માટે બાહ્યનો આ બધો કુટારો છોડી તું જો તારામાં સ્થિર થાય તો કર્મ બાંધવાના અને ભોગવવાના આ વંટોળમાંથી તું છૂટી શકે. આટલી સમજણે પહોંચ્યા પછી, સ્વમાં સ્થિર થવાનું મહાભ્ય સમજ્યા પછી, તેનો ઉપાય જાણવા અને આચરવા તે જીવ વિશેષ આતુર થતો જાય છે.
આ સ્થિરતા કેળવવા, જાળવવા અને વધારવા માટે સમ્યકત્વ પરાક્રમ માટેના ત્રીજા રત્ન ‘મંત્રસ્મરણ” બાબતની ઊંડી સમજણ શ્રી સદ્ગુરુ જીવને આપતા જાય છે. તેણે સ્મરણમંત્ર રટવાનું શરૂ તો કર્યું હોય છે, પણ કમનું બળ વિશેષ રહેતું હોવાથી તે સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી; તેનું યથાર્થ મહાભ્ય પકડી શકતો નથી. પણ તે મહાભ્ય સમજાતાં, પ્રયત્નથી સ્થિરતા અનુભવાતાં તે ‘મંત્રસ્મરણ” નો વિશેષ આશ્રય તથા આધાર લેતા શીખે છે. તેની સાથે નવાં આવતાં કર્મોને અટકાવવા માટે તેના પર પ્રાર્થના ખૂબ ઉપકાર કરે છે; જૂનાં બાંધેલાં કર્મો શિથિલ થાય અથવા નિર્જરે તે
૧૧૨