________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
તમારું જ્ઞાન અનંત છે, તમારું દર્શન અનંત છે, તમારું ચારિત્ર અનંત અને તમારું વીર્ય પણ અનંત છે, આમ તમે અનંત ચતુષ્ટયના ભોક્તા છો, એની ખાતરી અમને થઈ ગઈ છે. તમારા પૂર્ણ શુધ્ધ સ્વરૂપનાં દર્શન થવાથી, શંકાઓ કેવી રીતે બચી શકે ? જેમકે મહાતેજસ્વી સૂર્યનાં કિરણો ફેલાતાં જગતમાં અંધકાર ક્યાંથી વ્યાપે!
આપનાં શુધ્ધસ્વરૂપનાં દર્શન થવાથી અનુભવાયું છે કે આપની આકૃતિ – મૂર્તિ શાંતરસમાંથી જ ઘડી હોય તેવી અમૃતરસથી ભરપૂર છે. આ અમૃતભરેલી મૂર્તિને વર્ણવવા માટે જગતના કોઈ પણ પદાર્થની ઉપમા આપી શકાય તેમ નથી. આ અમૃતમય શાંતરસથી ભરપૂર મૂર્તિના દર્શનથી અમારા સમગ્ર દેહમાં શીતળતાના રેલા ચાલી રહયા છે, અર્થાત્ શીતળતા દેહવ્યાપી બની ફેલાઈ રહી છે. આ શીતળતાની સહાયથી અમે શેષ કર્મોનો ક્ષય કરવા કટિબધ્ધ થયા છીએ. વળી, આપની આ શાંતમૂર્તિના દર્શન અને સતત કરતા જ રહીએ અને એનો અદ્ભુત આનંદ માણ્યા જ કરીએ એ ભાવ અમારામાં પ્રધાનતાએ વર્તે છે.
આ કાળ પહેલાં, પૂર્વ કાળમાં ક્યારેય અમને સિધ્ધ પ્રભુનાં દર્શન થયાં ન હતાં, તે દર્શન થવાથી, ભાવિમાં થોડા કાળે એ સ્થિતિએ પહોંચવાનું અભયવચન અમને તમારી પાસેથી મળી ચૂક્યું છે. આવા અદ્ભુત દર્શન થયા પછી મુક્ત થવામાં ત્રણ ભવથી વધારે ભવ લાગતા નથી. અને સંસારને આથી પણ વિશેષ પરિમિત કરવો સંભવિત છે, તે સમજાયું છે, જો યોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો. આવી આંતરિક સમજણ અને આત્મદશા આપવા માટે આપની નિષ્કારણ કરુણાને વંદીએ છીએ.
હે પરમ કરુણાના સાગર! શાંતમૂર્તિ! હવે અમને એ જ ભાવ વર્તે છે કે આપના ચરણની સતત સેવા અને અક્ષયપદ અમને આપો. જેથી અમને અનુભવાતી ધન્યતામાં અનેકગણી ભરતી આવે.
શ્રી વાસુપૂજ્ય સ્વામી નિર્વાણ પામ્યા પછી ત્રીસ સાગરોપમ કાળ વીત્યા પછી શ્રી વિમલ જિને ધર્મરાજ્યની સ્થાપના કરી અને ચતુર્વિધ સંઘને બોધ આપી સન્માર્ગે આગળ વધવામાં સહાય કરી હતી. જ્ઞાન, દર્શન, ચારિત્રની – ત્રિવિધ વિશુદ્ધિ કરવાથી જીવનો આત્મવિકાસ જલદીથી થતો જાય છે.
૪૩