________________
કેવળી પ્રભુનો સાથ
સંસાર ભજવાના આરંભકાળથી અમારો જીવ ક્યારે પણ નિર્વિચાર થઈ શક્યો નથી. જ્યારે જ્યારે અમારા જીવને સંજ્ઞાની – મનની પ્રાપ્તિ થઈ છે ત્યારે ત્યારે તે લેશ પણ વશમાં રહ્યું નથી, એટલું જ નહિ બળવાન સ્વચ્છેદથી વર્તી અમારા જીવને સંસાર પરિભ્રમણની વૃદ્ધિમાં ધકેલ્યા છે અને તે સ્વચ્છેદના ઉત્કૃષ્ટપણામાં અમને ફરીથી અસંજ્ઞીની દશામાં ઊતારી મૂક્યા હતા. તેની સામે તમે તો સદાકાળ માટે તમારા મનને નાથી ચૂકયા છો. આ સંજોગોમાં અમારે તમારું ચરણસેવન કરી, મનને નાથી, સિદ્ધિ મેળવવી છે. તો પરમ કૃપા કરી અમારા મનને નાથવાનો ઉપાય આપો.
શ્રી પ્રભુને આત્માર્થે મન, વચન, કાયાની સોંપણી કરી છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછી જીવને માર્ગની અને તેનાં ભેદ રહસ્યોની પ્રાપ્તિ થતી જાય છે. અને તેના સંદર્ભમાં સંપૂર્ણ શાંત થવાની-નિર્વિકલ્પ થવાની અર્થાત્ સાતમા ગુણસ્થાને પહોંચવાની તાલાવેલી જીવને લાગે છે. સતત વિચારને કારણે જ જીવ અશાંતિ ભોગવે છે તે સહુ અનુભવી શકે એવું સત્ય છે. જે કંઈ વિચાર વિકલ્પ પ્રવર્તે છે તે સ્થિર-શાંત આત્માને અસ્થિર અને અશાંત કરી મૂકે છે. તેથી સ્થિરતા ગ્રહણ કરવા મનને જીતવું અનિવાર્ય જણાય છે. તો હે જિતેંદ્રિય પ્રભુ! વિચાર વિકલ્પથી રહિત નિર્વિચારપણાના સ્વામી ! અમને પણ આગળ વધારો, અમારા મનને પૂર્ણતાએ વશ કરી સ્થિરપરિણામી થવા સમર્થ કરો; જેથી અમે પણ તમારા જેવી ઉત્તમ શાંતિ અને શાતાનો અનુભવ કરવા ઉદ્યમી બની, ભાગ્યવાન થઈએ.
શ્રી શાંતિનાથ પ્રભુ સિધ્ધવાસી થયા પછી અર્ધપલ્ય કાળ વીતતાં શ્રી કુંથુનાથ જિન ધર્મચક્રીપણું વર્તાવ્યું. એમના સામ્રાજ્યમાં અનેક ઉત્તમ આત્માઓએ મનને નાથવાની કળા સિધ્ધ કરી. આ સિદ્ધિને પ્રાપ્ત કરવા હે દેવ! અમે સતત તમારું શરણ સેવીએ એવા ભાવુક અમને બનાવો. અમને દોષોથી છોડાવી સગુણી કરો; એમાં જ અમે અમારું કલ્યાણ જોઈએ છીએ. મનને વશ કરી, અમારા ચારિત્રનું ઉત્તમ ઘડતર કરી અમે શુધ્ધ થવા પુરુષાર્થ ઇચ્છીએ છીએ. આ ચારિત્રઘડતરમાં અંતરાયરૂપ બનતાં અમારાં મનને અમારે આપની કૃપાથી અવશ્ય નાથવું છે.
૫૮