________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
આત્માનું વીર્ય જેમ જેમ ખીલતું જાય છે, તેમ તેમ તેનું પરાધીનપણું ઘટતું જાય છે. શરૂઆતમાં ધર્મના આરાધન માટે જીવને જાતજાતના બાહ્ય અવલંબનની જરૂર રહેતી હોય છે, પછી જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ તે બાહ્યના અવલંબન ઘટાડતો જાય છે, છોડતો જાય છે, અને તે પછીથી અંતરંગ અવલંબનનો ત્યાગ પણ કરતો જાય છે. શ્રેણિના બારમા ગુણસ્થાનના અંત સુધી તેને જે સગુરુનું અવલંબન હતું તે પણ છૂટી જાય છે. અને કેવળીપણામાં જે મન, વચન, કાયાનું અવલંબન રહ્યું છે, તે ચૌદમા ગુણસ્થાને છોડી આત્મા સિદ્ધ થાય છે. આમ સમર્થતા વધવાની સાથે આત્મા પરાધીનપણું ત્યાગી, પર પરિણતિનો પણ નાશ કરતો જાય છે, છેવટમાં અક્ષય એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આત્મા એકાંતે ભોકતા બને છે.
શ્રી પારસનાથ પ્રભુના નિર્વાણ પછી માત્ર અઢીસો વર્ષે શ્રી મહાવીર વર્ધમાન સ્વામી ધર્મપ્રવર્તક બન્યા. ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડાઆઠ મહિના બાકી રહ્યા ત્યારે મહાવીર પ્રભુ મોક્ષે પધાર્યા.
બીજા શબ્દોથી વિચારીએ તો કહી શકીએ કે શ્રી ઋષભદેવ સ્વામીથી શરૂ થયેલો આત્મમાર્ગ શ્રી મહાવીર પ્રભુમાં પૂર્ણતા પામ્યો. તેથી એક એક પ્રભુના ગુણો વિસ્તારથી વિચારી, તેમને અંતરંગથી ભજતાં સંસારી જીવ મુક્ત થઇ શિવપદનો સ્વામી થઇ શકે છે, તે સ્પષ્ટ થશે.
૮૭