________________
સમ્યકત્વ પરાક્રમ
થાય એવો અનુભવસિદ્ધ માર્ગ પ્રકશિત કર્યો, તેઓ આ જગતમાં “શ્રી તીર્થકર પ્રભુ” તરીકે ઓળખાયા. તેમને તથા તેમના કાર્યને ત્વરાથી અનુસરી, સ્વપર કલ્યાણના કાર્યમાં પોતાના શુદ્ધ આચરણથી લીન થયા તેઓ “શ્રી ગણધરજી” તરીકે સંબોધાયા. તેમની નિશ્રામાં રહી, તેમની કાર્યસિદ્ધિને પ્રત્યેક પગલે સ્વીકારી, એ રૂપ થવામાં નિમગ્ન થનારા “શ્રી આચાર્ય” બન્યા. આમ આચાર્યજી તેમની મૂળભૂત ભાવનાના અનુસંધાનમાં બે પ્રકારે કહેવાયા છે. બંને, જીવ સમસ્ત માટે કલ્યાણભાવ તો વેદે છે, પણ બંનેના વેદનની ઉત્કૃષ્ટતામાં ફેર હોય છે; વળી ગણધરજી શ્રી તીર્થંકર પાસેથી કલ્યાણભાવ કરવા માટે પ્રેરણા લે છે, ત્યારે આચાર્યજી ગણધર પાસેથી કલ્યાણભાવ કરવા માટેની પ્રેરણા સ્વીકારે છે. આવા ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વાર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનાર ઉપાધ્યાયજી પંચપરમેષ્ઠિ ભગવંતની શ્રેણિમાં જીવ સમસ્તના કલ્યાણ ઈચ્છનાર રૂપે સ્થાન પામ્યા. સાથે સાથે આ સહુના માર્ગબોધને અવધારી, પોતાના જીવનને પૂર્વ પરમેષ્ઠિના પેંગડામાં સમાવી, તેમાં સહુ જીવોનું કલ્યાણ ઈચ્છી એકાકાર બનનાર શ્રી સાધુજી અને સાધ્વીજી, મોક્ષના આરાધક જીવો માટે આદર્શ નમૂના રૂપ રહ્યા હોવાથી, પરમઈષ્ટ આત્માઓ તરીકે સહુ મોક્ષેચ્છક જીવોને સન્માનનીય છે.
શ્રી તીર્થકર ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો અને અનુભવેલો શાશ્વત સુખનો માર્ગ શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સાધુસાધ્વીજી દ્વારા અનુસરાયો છે. આ સુખ મેળવવું હોય તેણે પોતાના વીર્યને સમ્યક્ પ્રકારે વાપરી “સમ્યક્દર્શન” મેળવી, તે દર્શનની શુદ્ધિ કરતા જવી જોઈએ, એમ શ્રી- જિદ્રદેવે જણાવ્યું છે. આ સમ્યક્દર્શન સમકિત, સમ્યકત્વ, આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્માનુભવ આદિ અનેક એકાર્યવાચી શબ્દોથી પણ ઓળખાય છે. આ સમ્યક્ દર્શનનો અદ્ભુત મહિમા જ્ઞાનીજનોએ ગાયો છે.
“સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.”
- રાજચંદ્ર વચનામૃત આંક ૬૭૦.