________________
સમ્યકત્વ પરાક્રમ
અંતરકરણ – આ આવશ્યક સહિત કેટલોક કાળ ગયા પછી, અનિવૃત્તિકરણના કાળના ઘણા સંખ્યાત ભાગ ગયે અને એક ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધીની હેઠલી આવલિક માત્ર મૂકીને અંતરમુહૂર્ત પ્રમાણ અંતરકરણ, અભિનવ સ્થિતિબંધના કાળ પ્રમાણ અંતરમુહૂર્ત કરે. એટલે કે અમુક અંતર – કાળ સુધી અનંતાનુબંધી કે મિથ્યાત્વ કર્મોને ઉદયમાં આવી ન શકે તેવાં કરે છે, કેટલાંક કર્મોની ઉદીરણા કરી ભોગવી લે છે, અને કેટલાંક કર્મોને ધક્કો મારી, અમુક કાળ પછી જ ઉદયમાં આવી શકે એવાં કરે છે. તેથી વચમાનાં અંતરમાં - કાળમાં એ કર્મો ઉદયમાં આવી શકતાં નથી. આમ તે જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનાં નિષકોનો અંતરમુહૂર્ત માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય સ્થિતિરૂપ પરિણાવે છે, જેથી તેનો ઉદય થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં આવે છે.
અંતરકરણ કર્યા પછી તે જીવ ઉપશમકરણ કરે છે, અર્થાત્ અંતરકરણ વડે અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેકો છે તેને સંક્રમણ, ઉદીરણા, નિદ્ધત અને નિકાચના દ્વારા ઉદય આવવાને અયોગ્ય કરે છે.
સંક્રમણ એટલે એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, તેને જીવે પરિણામ વિશેષથી પોતાની સજાતીય અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવી. ઉદા. શાતાને અશાતામાં કે અશાતાને શાતામાં ફેરવવી.
ઉદ્દીરણા એટલે જે કર્મો પાછળથી ઉદયમાં આવવાના છે, તેને તપાદિ દ્વારા વિશેષ પ્રયત્નથી ખેંચી વર્તમાનમાં ઉદયમાં લાવી ભોગવી લેવા.
નિદ્ધત એટલે જેમાં ઉદ્વર્તન કે અપવર્તન સિવાયનું સંક્રમણ ન થઈ શકે તેવું રૂપ કર્મને આપવું. ઉદ્વર્તન એટલે પૂર્વે બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ તથા અનુભાગ બંધને વધારવો. અપવર્તન એટલે પૂર્વે બાંધેલાં કર્મનાં સ્થિતબંધ તથા અનુભાગ બંધને ઘટાડવો.
૧૦૫