________________
સમ્યકત્વ પરાક્રમ
અજાણપણાને લીધે જીવ ગમે ત્યાં ભેખડે ભરાઈ, અયોગ્ય આરાધન કરી, મૂળ સિદ્ધિથી ઘણો દૂર ફેંકાઈ જાય છે. અયોગ્ય દોરવણી મળી હોવાથી, સંજ્ઞીપણું પણ અવરાઈ જાય એવી પ્રવૃત્તિ પણ તે ક્યારેક કરી બેસે છે. તેથી યોગ્ય માર્ગદર્શકની પણ ઘણી જરૂરિયાત રહેલી છે. સાચા ભોમિયા મળી જાય તો, તેની નિશ્રામાં આરાધન કરી જીવ નિર્વિઘ્ન આગળ વધી શકે છે. તેથી યોગ્ય ઉત્તમ માર્ગદર્શક પોતાને મળે એવી બળવાન ભાવના ભાવવી, તે છૂટવાના કામી જીવ માટે ખૂબ જરૂરી છે. આવી ભાવના પ્રભુ પાસે કરતા રહેવાથી અને વિજ્ઞરૂપ કર્મો માટે ક્ષમા માગતા રહેવાથી, સદ્ગુરુને મેળવવામાં જે કોઈ અંતરાય કર્મ સક્રિય થયા હોય કે થવાના હોય તેનો ક્ષય થતો જાય છે, પરિણામે જેમની સાથે શુભ ઋણાનુબંધ ઉદયમાં આવે તેવા ઉત્તમ સગુરુની સાથે તેનો મેળાપ થાય છે. આવા સગુરુનું માર્ગદર્શન મેળવી, તેમના સાનિધ્યમાં રહી, પોતાની કાર્યસિદ્ધિ જીવ કરી શકે છે. અનંતકાળના પરિભ્રમણમાં આ બે કારણોનો યોગ્ય મેળાપ થયો નથી, તેથી જીવની કાર્યસિદ્ધિ થઈ નથી. જે ભવમાં આ બે કારણો ઉપાદાન અને નિમિત્ત એકઠાં મળે તે ભવમાં સિદ્ધિ થવાથી જન્મ સફળ થઈ જાય છે.
ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ પર વ્યવસ્થિત વિચાર કરીએ છીએ ત્યારે લક્ષ થાય છે કે એ બેમાં ઉપાદાન કારણ વિશેષ બળવાન છે. જો ઉપાદાન તૈયાર હોય તો ભાવનાના બળથી જીવ નિમિત્ત કારણને ઉદયમાં લાવી શકે છે, પરંતુ જો ઉપાદાન તૈયાર ન હોય તો આવેલું નિમિત્ત નિષ્ફળ જાય છે. નિમિત્ત બળવાનપણે ઉપાદાન તૈયાર કરાવી શકતું નથી; જો કે અમુક માત્રામાં નિમિત્તની અસર ઉપાદાન ઉપર થાય છે, પણ તેની માત્રામાં ફરક રહે છે.
શ્રી સગુરુના શરણ અને માર્ગદર્શનની સહાયથી જીવ પોતાની છૂટવાની ભાવનાને બળવાન કરતા રહી, સંસારમાં અનાદિકાળથી ચીટકી રહેલા મિથ્યાત્વ આદિ કર્મોનો ક્ષય કરવા પ્રવૃત્ત થાય છે. સગુરુ આશ્રયે પોતાના વીર્યને ફોરવી, પોતાની આત્મશુદ્ધિ કરવાના અને વધારવાના પુરુષાર્થને વેગ આપી પરાક્રમ કરતો રહે છે. આ ભાવના જેનામાં ખીલે છે, તેનામાં આ ગુણો ખીલતા જાય છે –
૯૫