________________
સમ્યકત્વ પરાક્રમ
પ્રભુની નિષ્કારણ કરુણાની બળવાન શક્તિનો પરિચય થાય છે. શ્રી અરિહંત પ્રભુના કલ્યાણભાવના શુદ્ધ પરમાણુઓ “આ અનુભવ સાચો છે” એવો હકારાત્મક ધ્વનિ તેના આત્મામાં ઉત્પન્ન કરાવે છે. અને એ વખતે એ જીવ અપૂર્વ શાંતિ વેદી પોતાના સમ્યક્ પુરુષાર્થની શુભ શરૂઆત કરે છે. શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં એક સમય માટે તે જીવ દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે. એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને “અંતવૃત્તિસ્પર્શ” કહેવામાં આવે છે. જો કે છબસ્થ જીવને એક સમયનું જ્ઞાન કે ભાન હોતું નથી, તેથી આ કઈ પ્રક્રિયા થઈ તેની કોઈ સમજણ તેને આવતી નથી; તેમ છતાં એક સમય માટે કર્મ સામેની લડાઈમાં તેણે કર્મ ઉપર જીત મેળવી હોવાથી જીવનું એ સૌ પ્રથમનું પરાક્રમ ગણાયું છે. તે વખતે જીવ એક સમય માટે પોતાના મોહ સાથેના જોડાણને તોડી સ્વનું અનુસંધાન કરે છે.
આ જાતની પ્રક્રિયા, આ પૂર્વના અનંતકાળમાં પણ તેના સંબંધમાં થઈ નહોતી, પરંતુ હવે શ્રી તીર્થકર પ્રભુના યોગમાં આ પ્રક્રિયા તેના આઠ શુદ્ધ પ્રદેશના આધારથી ઉત્પન્ન થઈ છે, તે તેના સમ્યક્ પરાક્રમનું પહેલું સોપાન – પગથિયું બને છે. અનંતકાળનાં પરિભ્રમણમાં આ સૌ પહેલો એવો સમય છે કે જે સમયમાં તે મિથ્યાત્વનો નવો બંધ કરતો નથી. જો કે, બીજા જ સમયથી તેનું મિથ્યાત્વ બાંધવાનું કાર્ય શરૂ થઈ જાય છે; પરંતુ પ્રથમ સમયે કરેલું પરાક્રમ તે જીવને ભાવિમાં મોક્ષસુખનો અધિકારી બનાવે છે. એક સમય માટે જીવે અનુભવેલી દેહ તથા આત્માની ભિન્નતા તેના અભવિપણાને ટાળી ભવિપણાને પ્રગટ કરે છે. એક સમયનું થયેલું આ વેદન કાળના વહેવા સાથે વિકાસ કરે છે. તે જીવ પર જેમ જેમ અરિહંત પ્રભુ, સર્વજ્ઞ પ્રભુ અને સપુરુષની અસર વધતી જાય છે, તેમ તેમ તેનો વિકાસ થતો જાય છે.
પ્રત્યેક જીવને માટે, પ્રથમ પરાક્રમ કરવા શ્રી તીર્થંકર પ્રભુની સહાય અનિવાર્ય છે. અંતવૃત્તિસ્પર્શ કરવો બીજા કોઈ શુદ્ધાત્માની સહાયથી શક્ય બનતો નથી. આ વિકાસ આગળ વધી આઠ સમયની ભિન્નતા સુધી પહોંચે છે તે પછીથી અન્ય કેવળી પ્રભુ સહાયક થઈ શકે છે, અને અસંખ્ય સમયની ભિન્નતા વેદતાં શીખ્યા પછી અન્ય