________________
કેવળી પ્રભુનો સાથ
ભરપુર ચેતન છો. આ બંને અપેક્ષાથી વિચારતાં તમારું ઉત્તમપણું અમે અનુભવી શક્યા છીએ. બારમા ગુણસ્થાન સુધી જીવ છદ્મસ્થ છે, તે કેવળજ્ઞાન રહિત છે, પણ તે પછીના જ સમયે આત્મા કેવળજ્ઞાની થઈ સર્વજ્ઞપણું પ્રગટાવી પૂર્ણ થાય છે.
શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી, પોણા ચોરાશી હજાર વર્ષ પસાર થયા પછી શ્રી પારસનાથ – પાર્શ્વનાથ પ્રભુએ ભરતક્ષેત્રમાં ધર્મ પ્રવર્તાવ્યો. શ્રી પારસનાથ પ્રભુના શરણાંથી સમજવામાં આવ્યું કે શ્રેણિને અખંડપણે પૂરી કરવા માટે પ્રભુનું શરણ અનિવાર્ય છે. જો જીવ શરણ બહાર નીકળી જાય તો તે શ્રેણિમાં અધવચ પ્રમાદી બની, નીચે ઉતરી જાય છે. અને બધો પુરુષાર્થ ફરીથી કરવાનો રહે છે. પારસમણિના સ્પર્શમાં હોય ત્યાં સુધી લોઢું સુવર્ણમાં પલટાતું જાય છે, પણ લોઢું પૂરેપુરું પલટાઇ રહે તે પહેલાં જ જો પારસમણિનો સ્પર્શ હઠાવી લેવામાં આવે તો બાકી રહેલા લોઢાનો ભાગ લોઢારૂપે જ રહે છે, તે સુવર્ણરૂપ થતો નથી. આ હકીકત ઉપર વિચારેલા સિદ્ધાંતને પુષ્ટ કરે છે. તે સમજ્યા પછી અમે શ્રી પ્રભુને પ્રાર્થીએ છીએ કે હે પ્રભુ! પૂર્ણ થતાં સુધી, અમે ગ્રહણ કરેલા શરણનો ત્યાગ ન કરીએ એવી કૃપા અમારા પર કરો જેથી અમારું સાધકપણું પૂર્ણ સફળ થાય. આપની આ કૃપા પામવા ખૂબ ભક્તિસહિત વંદના કરીએ છીએ.
૨૪ શ્રી મહાવીર વધમાન સ્વામી! શ્રી પારસનાથ પ્રભુના સ્પર્શથી છદ્મસ્થ જીવ પારસમણિ સમાન સ્વચ્છ અને શુદ્ધ થાય છે. ચારે ઘાતી કર્મોનો ક્ષય થવાથી આત્માનું વીર્ય પૂર્ણતાએ પ્રગટે છે. આ વીર્યની સહાયથી આત્મા એક પણ ઘાતકર્મ કે શાતા વેદનીય સિવાયનું એકપણ અઘાતી કર્મ બાંધતો નથી. ઉપરાંત, એ જ વીર્યની સહાયથી બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, સિદ્ધભૂમિનાં અનંત અવ્યાબાધ આત્મિક સુખને માણવાને શક્તિમાન થાય છે. આવું અદ્ભુત વીર્ય પ્રગટાવવું જોઇએ, તથા તે વીર્ય કેમ સ્તૂરાવવું તેની જાણકારી શ્રી મહાવીર વર્ધમાન સ્વામી ! આપના તરફથી મેળવતાં અમને ખૂબ આનંદ થયો છે.
૮૪