________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
પરમ શ્રી અરનાથ પ્રભુની કૃપાથી, અમારા આંતર શત્રુઓને મહદ્ અંશે દાબી દેવા, અમુક ક્ષણો માટે અમે સફળ થયા, અમુક સમય માટે અમે નિર્વિકલ્પ થઈ શક્યા. એ વખતે ઘાતિ કર્મોનો – ખાસ કરીને મોહનીય કર્મનો અતિ અતિ સૂક્ષ્મ ઉદય હોવાને લીધે લગભગ પૂર્ણ કહી શકાય એવી શાતા વેદન અમારો આત્મા અનુભવી શક્યો. એવામાં સત્તાગત કર્મનો ઉદય ભળતાં એ શાતાનું વેદન છૂટી ગયું, નિર્વિકલ્પપણું પણ છૂટ્યું, અને પાછું મન, વચન, કાયા સાથેનું અમારા આત્માનું જોડાણ ચાલુ થઈ ગયું. આ જોડાણમાં જવા છતાં, આત્માને પૂર્વમાં વેદેલી શાતાની સ્મૃતિઓ ઠંડક આપતી રહી, જેના કારણે ફરીથી અને વારંવાર એ પ્રકારની વિચારરહિત અવસ્થા માણવાની ભાવના દઢ થતી ગઈ, એથી પ્રભુજી! અમે આપને સવિનય વિનંતિ કરીએ છીએ કે જે સ્થિતિ આપ અખંડપણે માણી રહ્યા છો, તે સ્થિતિ સુધી અમે ન પહોંચી શકીએ ત્યાં સુધી ટુકડે ટુકડે પણ આવો અનુભવ અમને વારંવાર થતો રહે એવી કૃપા કરતા રહેશો.
આ વીતરાગી અવસ્થામાં કર્મની નિર્જરા ઘણી મોટી માત્રામાં થાય છે તથા લગભગ નિર્વિકલ્પ દશા હોવાને લીધે નવા કર્મોનો બંધ પણ અતિ અલ્પ માત્રામાં થાય છે, તેથી જીવને કર્મથી છોડાવવા માટે છબસ્થ સ્થિતિમાં આ અપ્રમત્ત દશા ખૂબ ઉપકારી છે, તે અમને સ્પષ્ટપણે સમજાયું છે. તેને લીધે અમે અમારી સવિચાર દશામાં ભાવ કરીએ છીએ કે, “હે જિનવર! આવી અપ્રમત્ત અવસ્થા અમને વારંવાર આપો. સાથે સાથે અંતરંગનું એવું બળવાનપણું અમને આપો કે જેથી અમે શાતાની સુખબુદ્ધિ ત્યાગી, જેટલા વધુમાં વધુ ઘાતકર્મો કાઢી શકાય તેટલાં વિશેષ કર્મોનો નાશ કરવા સદ્ભાગી થઈએ. એટલું જ નહિ અમારો નિર્વિકલ્પ રહેવાનો કાળ ક્રમથી વધારતા જઈએ. આમ અપ્રમાદને અમારું મુખ્ય લક્ષણ બનાવી અમે પ્રવર્તીએ, અને તે પછીની સવિચાર દશામાં પણ મુખ્યતાએ અપ્રમાદથી વર્તી અલ્પાતિઅલ્પ કર્મ અને તેમાં પણ શુભ પ્રકારનાં કર્મ સ્વીકારતા રહીએ. અહો! કરુણાનિધિ! અમને ખૂબ સાથ અને સહકાર આપી, અમારાં કર્તવ્યમાં અમે એકનિષ્ઠ રહી વર્તતા રહીએ એવા શક્તિવાન અમને બનાવજો !”
૬૩