________________
કેવળી પ્રભુનો સાથ
વીતરાગ પ્રભુ! તમારી સાથે એકરૂપ થવા માટે મન, વચન, તથા કાયા પર યથાર્થ સંયમ કેળવવો જરૂરી છે એ અમને સમજાય છે. જ્યારે અમે આ સંયમ કેળવવા જઈએ છીએ ત્યારે એનું દુર્ઘટપણું અમને અનુભવાય છે. કાયા પર સંયમ લઈ શકાય છે, બળ વાપરીને સંયમ રાખી શકાય છે, વચન ઉપર પણ થોડું વધારે જોર કરવાથી સંયમ સાધી શકાય છે. પરંતુ જ્યાં મનને નાથવા જઈએ છીએ ત્યાં અમે અમારો અનેકવિધ પરાભવ અનુભવીએ છીએ. આખા શરીરના કદના પ્રમાણમાં મન ઘણું નાનું અને સુક્ષ્મ છે, તેથી તેને નાના કંથવા જેવું કહીએ તો પણ ચાલે એમ છે કુંથુજિન! અમને જણાય છે. પરંતુ જ્યાં મનની પ્રવૃત્તિ પર ચોકીપહેરો રાખવા જઈએ છીએ ત્યાં મનની દોડના અનેક વમળમાં અમે સપડાઈ જઈએ છીએ. જ્યાં પવનની ગતિ નથી એવી જગ્યાએ પણ અમારું મન ફરી આવે છે. આવા અતિ ચંચળ મનને વશ કરવા હે જિન! અમારે શું કરવું જોઈએ? એ માટે માર્ગદર્શન મેળવવાની અમને ખૂબ જ આતુરતા છે.
મન, વચન અને કાયાનું અધિપત્ય તમને સોંપ્યા પછી, અમારા મનને પૂર્ણતાએ નિર્વિચાર કરવા, તમારી સાથે એકરૂપ થવા અમે અનેક પ્રવૃત્તિ આદરી. તેનો અહેવાલ આપ કરુણાળુ પ્રભુ જાણો તો અમે કેવી કેવી મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ તેનો ચિતાર આપી અમે હળવા બની શકીએ. જો કે તમારાથી કંઈ જ અજાણ્યું નથી, તો પણ, અમે મનને વિચાર રહિત કરવા જતાં કેવી ફજેતીમાં ફસાયા હતા તે જણાવતાં પણ અમને અકળામણ થાય છે. જ્યારથી અમને સંજ્ઞાની – મનની પ્રાપ્તિ થઈ છે ત્યારથી તે મન એક સમય માટે પણ નવરું રહ્યું નથી, સતત કોઈ ને કોઈ વિચાર કે ભાવ કરતું જ રહ્યું છે. કાર્યથી વિરામ પામી, આ મને એક સમયની પણ શાંતિ વેદી નથી, આવા દુરારાધે મનને અમારે તમારી સહાયથી સદાકાળ માટે શાંત કરવું છે. તે કારણે મનને શાંત કરવા અમે જે જે પ્રવૃત્તિનો સહારો લીધો છે, તેમાંથી આ મન કેવી કેવી રીતે છટકી ગયું છે, અને અમને નાચ નચાવતું રહ્યું છે, તે અમારી શરમગાથા આપને નિવેદન કરી, મનના ચંચળપણાથી છૂટવાનો ઉપાય મેળવવો છે.
પ૬