________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
નહિ એવી પ્રકૃતિના ધારક છો, તેથી જેમની માગણી ન હોય તેમને તમે માર્ગદર્શન આપતા નથી. પ્રભુજી! પણ અમારી બાબત જુદી છે. હવે અમારે બંધાવું જ નથી, અમારે ત્વરાથી છૂટવું જ છે. તો અમારી હૃદયપૂર્વકની તમને વિનંતિ છે કે છૂટવા માટે અમને યોગ્ય માર્ગદર્શન જરૂર આપતા રહેશો.
અહો! શાસનપતિ! તમારી આજ્ઞાએ યથાર્થ ચાલવું એટલે આપની યથાર્થ સેવા કરવી. આપની આજ્ઞા સમજવામાં અમને અમારા જ્ઞાનાનાં આવરણો વિઘ્ન કરે છે, તેથી આપના આપેલા માર્ગદર્શનને યથાર્થતાએ અમે સમજી શકતાં નથી, અને અમે સ્વચ્છંદી વર્તન કરી બેસીએ છીએ. તો પ્રભુ અમારી આ વિનંતિને માન્ય કરો કે અમારી સંસારી સુખબુદ્ધિ ત્વરાથી ક્ષીણ થઈ જાય. અને તમારી આજ્ઞાને સમજવામાં તેમજ પાળવામાં કોઈ પ્રકારે વિપ્ન પ્રવર્તે નહિ.
હે અનંતનાથ પ્રભુ! આજ્ઞા મળ્યા પછી તેનું પાલન કરવા જતાં અમને સમજાય છે કે જિનપ્રભુની સેવા કરવી અર્થાત્ તેમની આજ્ઞાએ ચૂક વિના ચાલવું એ તલવારની ધાર પર ચાલવા કરતાં પણ ઘણું વિકટ કાર્ય છે. તલવારની ધાર ઉપર વિવેકપૂર્વક ચાલી, ઇજા વગર નાચ કરનાર નટો આ જગતમાં મળી આવે છે, પરંતુ પ્રભુસેવા રૂપ તલવારની ધાર પર ચાલવામાં દેવો પણ સફળતાથી ટકી શકતાં નથી. પ્રભુનાં પ્રત્યેક કલ્યાણકો ઉત્સાહથી ઉજવનાર દેવો તેમની આજ્ઞાનુસાર ચારિત્રપાલન કરી શકતા નથી. તેઓથી પણ ભૌતિક સુખોના ભોગવટામાં એકરૂપતા અનુભવાઈ જાય છે. તેથી અમને સ્પષ્ટ સમજાય છે કે યથાર્થ ચારિત્રપાલન, આત્મા જે રૂપે છે તે રૂપે કરવા માટે વર્તમાન સુખ કે દુઃખરૂપ સંજોગોમાં અત્યંત તટસ્થપણું રાખવું તે ઘણું ઘણું કઠિન છે. બીજી બાજુ આવા શુદ્ધ ચારિત્રપાલન વિના મુક્તિ સંભવિત નથી. તો પ્રભુ! અમારે કેમ કરવું?
વળી, આ કઠણાઈનો વિચાર કરી, સંજોગોને વશ થઈ વર્તવામાં આવે તો પણ જીવને ઘણું નુકશાન થાય છે. જ્ઞાન શુદ્ધ કર્યા પછી જો અણસમજથી વર્તવામાં આવે તો કરેલી ભૂલ માટે એવો મોટો દંડ થાય છે કે તેને કેવળજ્ઞાન લેતાં પહેલાં તેણે બળવાન પરિષહ કે ઉપસર્ગ રૂપે ભોગવવો પડે છે. જેમ જેમ દશા ઊંચી થતી જાય
૪૫