________________
કેવળી પ્રભુનો સાથ
આત્માર્થે આગળ વધવા અમે અનુમાનથી, તર્કથી કે નયના આધારે તમને સમજવા જઈએ છીએ તો અમને ઘણી ઘણી મુશ્કેલીઓ જણાય છે. આગમ શાસ્ત્રોના આધારે પણ તમને સમજવા જતાં એવા જ હાલ થાય છે, કારણ કે સત્ય અર્થ અથવા તો ગૂઢ રહસ્ય સમજાવે – બતાવે તેવા સદ્દગુરુની પ્રાપ્તિ અમને હજુ સુધી થઇ નથી. આ અપ્રાપ્તિ અમને સદ્ગુરુના રક્ષણથી વંચિત કરે છે. બીજી બાજુ અમારા આત્માના ગુણોનો ઘાત કરનારા કેટલાય ઘાતિકર્મો રૂપી પર્વતો અમને તમારી પ્રાપ્તિથી દૂર રાખે છે આ ઘાતકર્મો રૂપી પર્વતો ઓળંગવા હિંમત કરી અમે આગળ વધવા જઈએ છીએ તો માર્ગદર્શક ભોમિયાના અભાવે અમે કર્મોની ગીચ ઝાડીમાં અટવાઈ પડીએ છીએ. આમ તમારાથી વિમુખ રહેવા જેવા હાલ અમારા થયા છે!
હે દયાળુ અભિનંદન સ્વામી! કૃપા કરી અમને સાચા માર્ગદર્શક ભોમિયા રૂપ સગુરુની ભેટ આપો. તમારી યથાર્થ ઓળખાણ કરાવે તેવા સગુરુનો ભેટો કરાવો, જેમની સહાયથી અને આપની કૃપાથી અમારો આત્મા અભિનંદનને પાત્ર થાય. અત્યાર સુધી અમારી ઝંખનાને પૂરી કરનાર સગુરુ મળ્યા ન હતા, તે મેળવીને અમારો આત્મા ધન્ય બની પુલકિત થાય.
હે જિનરાજ! તમારા દર્શન કરવાની રઢ અમને લાગી છે. આ ઝંખનાને કારણે અમે તમારા દર્શન કરવાની પિપાસાથી ચારે બાજુ ફરીએ છીએ, અમારી આ દશા જંગલમાં મૃગજળ પાછળ પાણીની શોધમાં દોડતા હરણ જેવી જ છે; કારણ કે અમૃતપાનની પિપાસાથી હાથ લંબાવતા, હાથમાં તો વિષનો પ્યાલો જ આવે છે! ઝંખનામાં ને ઝંખનામાં તમારા દર્શન મેળવવાનો માર્ગ જેને પૂછીએ છીએ, તે પોતપોતાની વડાઈ કરી અમને ગેરમાર્ગે દોરે છે, અને તમારા દર્શનથી વંચિત રહીએ તેવો ઘાટ ઘડાય છે. અમારી શક્તિઓ યથાયોગ્યપણે ખીલી ન હોવાને કારણે અમે આ બધા ગૂંચવાડા તથા ભૂલભૂલામણીમાં અટવાઈ જઈ અનેકવિધ કષ્ટ ભોગવીએ છીએ.
અહો કલ્યાણમૂર્તિ જિન! આ ભૂલભૂલામણીના આટાપાટાથી અમે તો જ છૂટી શકીએ, જો તમે અમને અભિનંદો – અમારા પર કલ્યાણભાવ રૂપ કૃપાની વર્ષા કરો. ક્ષણે ક્ષણે ભયના ઓળા નીચે વસનાર એવા અમારા પર કૃપા કરી, અમને તમારા