________________
કેવળી પ્રભુનો સાથ
યથાર્થતાએ પકડી શકતો ન હતો, અને વારંવાર સંસારની શાતા તથા આત્મશાંતિનો ભેદ ન પરખાતાં અમારો આત્મા સંસારશાતા પ્રતિ દોરવાઈ જતો હતો, એટલું જ નહિ પણ, વીર્યના બળવાનપણાના અભાવને કારણે અમારો આત્મા સંસારના શાતાના ઉદયોના આકર્ષણમાં પડી પરમાર્થની મંદતામાં સરી પડતો હતો. વળી નિમિત્ત મેળવી સાચો પુરુષાર્થ કરવા પ્રવૃત્ત થતો હતો. આવી ચડઉતરની દ્વિધાવાળી સ્થિતિમાં કેટલોક કાળ વીતતાં, પરમકૃપાળુ શ્રી પદ્મપ્રભુજીએ અમને ખૂબ ખૂબ સાથ આપ્યો. તેમણે સમજાવ્યું કે, જળની અંદર રહેલું કમળ પાણી, વૃક્ષ, માછલી આદિ અન્ય સુંદર આકર્ષણના પદાર્થોમાં લેશ માત્ર લેપાયા વિના રહી, પોતાની પાંખડીઓને સાવ નિર્મળ રાખે છે, કોઈ પણ પ્રકારના કાદવ કે અન્ય પદાર્થને પોતાની પાંખડી પર ચીટકવા દેતું નથી, તેવી જ રીતે તમે સંસારના અગણિત પ્રલોભનોમાં લલચાયા વિના, આત્મશુદ્ધિને ધ્રુવકાંટો રાખી જીવશો તો તમે ઘણા ઘણા ઉત્તમ તત્વને મેળવશો. આ સમજણ વિશદતાથી આપી, પ્રભુજીએ અમને પ્રલોભનો સામે ટકવા સક્ષમ તથા ખૂબ મક્કમ બનાવ્યા.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ! આ બધા પુરોગામીઓની સહાયથી અને તેમના આધારથી જ અમે આજે તમારી સમક્ષ ઊભવા ભાગ્યશાળી બન્યા છીએ. તેઓ બધાની સહાયથી જ અમારા આત્માની મોક્ષમાર્ગ પામવાની પાત્રતા વધતી ગઈ છે, બીજી રીતે કહીએ તો અમારા આત્માનું માર્ગપ્રાપ્તિ માટેનું ઉપાદાન તૈયાર થતું ગયું છે. એમાં આપના તરફથી યોગ્ય નિમિત્ત – યથાયોગ્ય માર્ગદર્શન મળવાથી અમને અત્યંત લાભપ્રાપ્તિ થઈ છે.
પાર્શ્વ એટલે બાજુ, સુપાર્શ્વ એટલે બંને સારી બાજુ. સુપાર્શ્વનો મેળાપ થતાં, અર્થાત્ ઉપાદાન અને નિમિત્તરૂપ બંને સારી બાજુ એકઠી થતાં ઉત્તમની પ્રાપ્તિ શક્ય બની. અમારા આત્માની સંસા૨થી છૂટવા માટેની તૈયારી થતાં, તેને આપ પ્રભુનો નિમિત્તરૂપ યોગ આવી મળ્યો. ભૂતકાળમાં કેટલીયે વખત ઉત્તમ નિમિત્ત તો મળ્યાં જ હતાં, પણ પાત્રતાના અભાવે તે નિમિત્તનો ઉત્તમ લાભ લેવામાં અમે નિષ્ફળ ગયા હતા. હવે અમે પાત્રતા આવતાં નિમિત્તનો સદુપયોગ કરવા ભાગ્યશાળી બન્યા છીએ.
૧૬