________________
કેવળી પ્રભુનો સાથ
સામે અમારો આત્મા બહિરાત્મભાવમાં રુચિ રાખી સંસારના પરિભ્રમણમાં ખૂંપી રહયો છે. આપણા વચ્ચે રહેલું આત્મસુખ બાબતનું અંતર કેમ ઘટાડવું, અને વર્તતો વિરોધ કેમ તોડવો એ પ્રશ્ન ઉદ્ભવેલી સન્મતિ વિકસતાં જટિલ લાગી રહયો છે.
આપની અને અમારી વચ્ચે રહેલા આ વિશાળ અંતરને તોડવાનો ઉપાય શોધવા જતાં શ્રી સગુરુ પાસેથી સમજવા મળે છે કે આપણા બે વચ્ચેનું અંતર આટલું મોટું થવાનું કારણ અમારા દુષ્ટકર્મોનો પરિપાક છે, અંતરાય કર્મનું જોર છે. અમારા આત્મામાં જાણતાં કે અજાણતાં, ઉદયપ્રાપ્ત સંજોગોમાં જે જે ભાવો પ્રવર્તે છે – શુભ કે અશુભ, તેના પ્રમાણમાં અમને સંસારપ્રાપ્તિ તથા મોક્ષવિમુખતા થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશનાં સંયોજનને આધારે કર્મના બંધ આત્મપ્રદેશો પર પડે છે. જે પ્રકારના ભાવ હોય તે પ્રકારના શુભાશુભ પરમાણુઓ આત્માના પ્રદેશો પ્રતિ આકર્ષાય છે; સારા ભાવના અનુસંધાનમાં શાતાકારી શુભ પરમાણુઓ આત્મપ્રદેશને ચીટકે છે અને શુભ ફળ આપે છે; એ જ પ્રમાણે ખરાબ ભાવના અનુસંધાનમાં અશાતાકારી અશુભ પરમાણુઓ આત્મપ્રદેશને ચીટકે છે અને અશુભ ફળ આપે છે. જે પ્રકારના પરમાણુઓ ગ્રહણ કર્યા તે પ્રકારનું ફળ અપાવે તે ‘કર્મ પ્રકૃતિ' કહેવાય છે. જે ભાવના આધારે કર્મ પરમાણુઓ અમુક કાળ સુધી આત્માના પ્રદેશ પર ચીટકીને રહયા પછી, અમુક કાળ સુધી તેના પ્રકાર અનુસાર શાતા કે અશાતાનો અનુભવ કરાવે છે. આ ચીટકવાનો તથા ફળ આપવાનો સમયગાળો તે ‘કર્મ સ્થિતિ' કહેવાય છે. આ સમયગાળો અંતમુહૂર્તથી શરૂ કરી ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીની તરતમતાવાળો સંભવે છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે, અન્ય સર્વ કર્મ તેનાથી અલ્પકાળના છે. શાતા કે અશાતારૂપ ફળની તીવ્રતા કે મંદતાનો આધાર ભાવને કારણે ગ્રહણ કરેલા કર્મપરમાણુના પ્રકાર પર રહેલો છે. તીવ્ર રસથી ભાવ વેદ્યા હોય તો તીવ્ર ફળ મળે છે અને મંદરસથી ભાવ વેદ્યા હોય તો મંદતાવાળું ફળ મળે છે. આવા તીવ્ર મંદતાની તરતમતાને “અનુભાગ-રસ' કહે છે. ગ્રહણ કરેલા કર્મપરમાણુઓ આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશથી શરૂ કરી અસંખ્ય પ્રદેશ (ચક પ્રદેશ સિવાયના) સુધી ચીટકી શકે છે. જેટલા પ્રદેશ પર આ