________________
કેવળી પ્રભુનો સાથ
પોતાની જ ભૂલોના કારણે જે અરુચિકર તત્ત્વોનો મેળાપ થયો છે, તેને માટે સતત દ્વેષ અનુભવી પોતાના જ માટે વિપરિત પરિસ્થિતિ ઊભી કરતા આવ્યા છીએ, એટલું જ નહિ પણ, આત્માની શાંતિ કે પવિત્રતા વધારવા માટે ઉદ્યમ કરવાનું નિમિત્ત આવે ત્યારે તેમ કરવાનો અમે થાક વેદ્યો છે, અર્થાત્ સ્વસુખ માટે અત્યાર સુધી નિરૂદ્યમી જ રહ્યા છીએ. આવા અનેક પ્રકારનાં અનંત દોષોથી ભરપૂર અમારા આત્માને દોષથી છોડાવવા માટે, તેને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત કરાવવા માટેનો અવકાશ અમને આપની પાસેથી મળી શકે તેમ છે; એવી સંભાવના ઉત્પન્ન થઈ છે. તો હે જિનદેવ! તમો સર્વ ઇન્દ્રિયોને જીતી શુધ્ધ થયા છો, એ શુધ્ધતા પ્રતિ પ્રગતિ કરવા અમને માર્ગદર્શન આપો. આપની અસીમ કૃપા થકી જ અમે બાહ્યથી છૂટી અંતર્મુખ થવા પુરુષાર્થ કરી શકીશું. અમારા સર્વ પાપોનો નાશ કરવાના પુરુષાર્થમાં અમને સહાય કરી શકે, પ્રેરણા આપી શકે એવા સપુરુષનો યોગ ત્વરાથી કરાવો. ઉત્તમ સગુરુનો પરિચય કરાવી તેમના ઉત્તમ સથવારાનો લાભ આપો, એમનાં સુવચનોનું વારંવાર શ્રવણ કરવાનું સદ્ભાગ્ય આપો, કે જેથી યોગ્ય આરાધન કરી શકવાની સંભાવના અમને મળે.
હે જીવનરક્ષક પ્રભુ! અત્યાર સુધી અમે સ્વમતિકલ્પનાએ જ ચાલી શ્રેય કરીએ છીએ, એવી વિપરિત માન્યતાથી વર્તતા હતા. એના કારણે અમારા ભવભ્રમણનું એક ચક્ર પણ ઘટયું નહિ, તેથી, આપની અનન્ય કૃપાને કારણે હવે અમને સમજાય છે કે અમારે સાચા માર્ગદર્શક સદ્ગુરુની ખૂબ જ આવશ્યકતા છે. તેમની સહાય વિના અમારું યથાર્થ કલ્યાણ સંભવિત જ નથી, તેથી પરમ સગુરુ મેળવવાની અમારી ઝંખના સફળ કરો, એ અર્થે અમે આપને કોટિ કોટિ વંદન કરીએ છીએ. તથા સદ્ગુરુને મેળવવા માટે અમારા પૂર્વે બાંધેલા જે કોઈ અંતરાય કર્મ વિઘ્નરૂપ થતા હોય તેની ક્ષમા યાચી, તમારા શરણથી તેને તોડવા પ્રાર્થીએ છીએ. અમારામાં પ્રવર્તતા દોષોનો ક્ષય કરવા તે સર્વ દોષોની પશ્ચાતાપ સાથે આપની સાક્ષીએ ક્ષમા યાચી, દોષમુક્તિ માંગીએ છીએ. વર્તતાં દોષો દૂર થતાં અમે નિશ્ચયથી વ્યવહાર સમકિતના અર્થાત્ ૮ સમયથી વધારે સમય માટે અને પાંચ મિનિટથી ઓછા કાળ માટે દેહ આત્માની ભિન્નતાનો સ્પષ્ટ અનુભવ કરવા અધિકારી થશું તેવું આપનું વચન સત્ય હો.