________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
39
નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટીતૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટીતૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો.
પ્રમાણશિક્ષાઃ- સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત્ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે, જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે.
ઇતિ શ્રી ‘ભાવનાબોધ' ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર ‘અનિત્યભાવના' એ વિષય પર સદેષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું.
܀܀܀܀܀
દ્વિતીય ચિત્ર
અશરણભાવના
(ઉપજાતિ)
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
વિશેષાર્થ:- સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી ખોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અનાથરૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી.
જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદૃઢ થશે. અનાથી મુનિ
દૃષ્ટાંતઃ- અનેક પ્રકારની લીલાથી યુકત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના