________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
૩૭૧
કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તો કોઈ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રીગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે.
૩ આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તોપણ કાંઈ સિદ્ધિ થઈ નીં, તેનું કારણ વિમુખદશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તો તાણ મુક્ત થાય.
૪ પરમશાંત રસમય ‘ભગવતી આરાધના’ જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે.
૫ આ આરા(કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગો વારંવાર બને, તેથી આયુષની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી, મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તો છેક જ સાંકડો માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવો. તેથી જ ઉપશમ, થોપશમ અને જ્ઞાયિકભાવ થાય છે.
૬ કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે. નહીં તો ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે.
૭ વર્તમાનમાં દૃષ્ટિરાગાનુસારી માણસો વિશેષપણે છે.
૮ જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજ ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે, તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં.
૯ સામાયિક સંયમ
૧૦ પ્રતિક્રમણ આત્માની ક્ષમાપના, આરાધના,
૧૧ પૂજા-ભક્તિ.
૧૨ જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે.
૧૩ અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગોએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ?
૧૪ જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ(શાંતિ)નો માર્ગ અટકતો નથી.
૧૫ યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે.
૧૬ વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે.
૧૭ જોકે હમણાં જ તમો સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણનો નાશ થાય, તેમ થાય. ક્ષોપશમ પ્રમાણે સમજી શકાય છે.