________________
૭૭૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩
મોરબી, અષાડ વદ ૧, શુક્ર, ૧૯૫૬
૧ ‘દેવાગમસ્તોત્ર’ જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે.” એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો લોક છેઃ-
'देवागमनभोयानचामरादिविभूतयः
मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान्
"
આ લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય). આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય-સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થંકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.)
આ આચાર્યે કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થંકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે.
ર આપ્તનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવાં હોવાં જોઈએ તે સંબંધી ‘તત્ત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છેઃ-
'मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्,
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.'
સારભૂત અર્થઃ- “મોક્ષમાર્ગસ્ય નેતારું', (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી “મોક્ષ’નું ‘અસ્તિત્વ’, ‘માર્ગ’, અને ‘લઈ જનાર' એ ત્રણ વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ‘ભેત્તારું કર્મભૂભૃતાં' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કોણ ? વર્તમાન દેઢે જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. ‘જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં' (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે તદ્ગુણલબ્ધયે' (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. ૩ મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહીં; એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવન હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં,
૪ 'ભગવતી આરાધના' ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે.
૫ કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં
તફાવત છે.
૬ કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી.