________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૫૧
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?
શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચૈતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી.
મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧
પ૬૯
શ્રી સત્પુરુષોને નમસ્કાર
સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્યપરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે.
જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજાગ પ્રગટે અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે