________________
૭૧૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તે સમજાય નહીં ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહીં. સાંભળેલું ભૂલવું નહીં, - એક વાર જમ્યા તે પચ્યા વગર બીજાં ખાવું નહીં તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવો નહીં. તપ એ નાનામાં નાનો ભાગ છે. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય; અને તો મોક્ષગતિ થાય. બાહ્ય તપ શરીરથી થાય. તપ છ પ્રકારે - (૧) અંતર્વત્તિ થાય તે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (3) ઓછો આહાર કરવો તે. (૪) નીરસ આહાર કરવો અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંલીનતા. (૬) આહારનો ત્યાગ તે.
તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી; પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરવો તે તપ જિહ્માનિય વશ કરવાનો ઉપાય જાણીને કહ્યો છે. જિષ્ઠાદ્રિય વશ કરી. તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે, ઉપવાસ કરો તેની વાત બહાર ન કરો; બીજાની નિંદા ન કરો; ક્રોધ ન કરો; જો આવા દોષો ઘટે તો મોટો લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લોકોને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને ‘તપ' કહ્યું છે. લૌકિક દૃષ્ટિ ભૂલી જવી. લોકો તો જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે ને ત્યાં જાય છે પણ તે તો નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં.
સહુ સામાયિક કરે છે, ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું, સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે તે ખરું. પણ જ્ઞાની સ્વીકારે શું ? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમકિત છે ! અર્થાત્ વાસ્તવિક સામાયિક વ્રત અને સમકિત તમારાં નથી. મન, વચન અને કાયા વ્યવહારસમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંઘમાં સ્થિર યોગ માલૂમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. મન, વચન, કાયા ચૌદમા ગુણસ્થાનક સુધી હોય; મન તો કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવળીના મનયોગ ચપળ હોય, પણ આત્મા ચપળ હોય નહીં. આત્મા ચોથે ગુણસ્થાનકે અચપળ હોય, પણ સર્વથા નહીં.
‘જ્ઞાન’ એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. ‘દર્શન’ એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ‘ચારિત્ર’ એટલે આત્મા સ્થિર થાય તે
આત્મા ને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય.
ખોટી વાસના = ધર્મના ખોટા સ્વરૂપને ખરું જાણવું તે.
=
તપ આદિક પણ જ્ઞાનીની કસોટી છે. શાનાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાતા આવે, તો તે તે અદુઃખભાવિત જ્ઞાન મંદ થાય છે. વિચાર વગર ઇંદ્રિયો વશ થવાની નથી. અવિચારથી ઇંદ્રિયો દોડે છે. નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની જીવો ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે, અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષધ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. સ્ત્રી, ઘર, છોકરાછયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સામાન્ય વિચારને લઈને, ઇંદ્રિયો વશ કરવા છકાયનો આરંભ કાયાથી ન કરતાં વૃત્તિ નિર્મળ થાય ત્યારે સામાયિક થઈ શકે. વ્યવહારસામાયિક બહુ નિષેધવા જેવું નથી; જોકે સાવ જડ વ્યવહારરૂપ સામાયિક કરી નાંખેલ છે. તે કરનારા જીવોને ખબર પણ નથી હોતી કે આથી કલ્યાણ શું થશે ? સમ્યકત્વ પહેલું જોઈએ. જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થાય, વૃત્તિ નિર્મળ થાય તે સત્પુરુષનાં વચન શ્રવણ થાય તો પછી સમ્યક્ત્વ થાય.