________________
૭૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
રીતે મોક્ષમાર્ગ છે તેનો નાશ નથી. અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છંદે કલ્પના કરી, જીવોને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી બાળાભોળા જીવો અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના બાંધેલા તે બન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આવો કુટારો જૈનમતોમાં વિશેષ થયો છે.
સાચા પુરુષનો બૌધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.
સોવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સોવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી, ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્ય હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાત્મ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાન હોત, અને તમને બતાવત તો માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી.
સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે. જાદા જાદા વિચારભેદો આત્મામાં લાભ થવા અર્થે કહ્યા છે; પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હોવો જોઈએ. સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી !
અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અવળું ઝલાવી દીધું છે, એટલે લોકો ગચ્છ, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે, અજ્ઞાનીઓએ લોકને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભારી સંભારી પુરુષાર્થ વિશેષપણે કરવો, ગચ્છાદિના કદાગ્રહો મૂકી દેવા જોઈએ. જીવ અનાદિ કાળથી રખડ્યો છે. સમકિત થાય તો સહેજે સમાધિ થાય, અને પરિણામે કલ્યાણ થાય, જીવ સત્પુરુષના આશ્રયે જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આવે, તો ઉપકાર થાય જ,
એક તરફથી ચૌદ રાજલોકનું સુખ હોય, અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તોપણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય.
વૃત્તિને ગમે તેમ કરી રોકવી; જ્ઞાનવિચારથી રોકવી; લોકલાજથી રોકવી; ઉપયોગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં.
જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ, તો કોઈ મારું નથી એમ જણાય. જો એકની ચિંતા કરો, તો આખા જગતની ચિંતા કરવી જોઈએ. માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું; તો ચિંતા, કલ્પના પાતળી પડશે. તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી, વિચાર કરી કરીને તૃષ્ણા ઓછી કરવી. આ દેહને પચાસ રૂપિયાનો ખર્ચ જોઈએ તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ