________________
930
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જે સત્પુરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે સત્પુરુષોને તો અનંતો લાભ પ્રાપ્ત થયો છે. સત્પુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે. તેઓ કોઈ જીવને ‘દીક્ષા લે’ તેવું કહે નહીં. તીર્થંકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેદવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે; બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કારણ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે. સત્પુરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઇચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની ખાતર ઉપદેશ દે છે.
મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા.
હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે, જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે છે.
રેલગાડીમાં જ્ઞાની સેકન્ડ ક્લાસમાં બેસે તો તે દેહની શાતાને અર્થે નહીં. શાતા લાગે તો થર્ડ ક્લાસ કરતાંય નીચેના ક્લાસમાં બેસે, તે દિવસે આહાર લે નહીં; પણ જ્ઞાનીને દેહનું મમત્વ નથી. જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દોષને છેદી નાંખે છે. ત્યારે અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દોષ, સ્ત્રીઆદિના છોડી શકતો નથી. જ્ઞાની તો દોષ, મમત્વ, કષાયને તે સંગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્ભુત છે.
વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. ટુંઢિયા શું ? તપા શું ? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે ઢુંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઈ ધર્મ હોય ! એ તો લોઢું પોતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગનો માર્ગ અનાદિનો છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહીં, એમ કલ્યાણ હોય નહીં. કુંઢિયાપણું કે તપાપણું માન્યું તો કષાય ચઢે. તપો કુંઢિયા સાથે બેઠો હોય તો કષાય ચઢે; અને કુંઢિયો તપા સાથે બેઠાં કષાય ચઢે; આ અજ્ઞાની સમજવા. બન્ને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહોરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદિનો આગ્રહ મૂકી દેવો.
જૈન માર્ગ શું ? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાંખ્યા જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે ? તો તો જણાય કે જૈનધર્મ મારાથી વેગળો રહ્યો છે. જીવ અવળી સમજણ કરી પોતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા ઢુંઢિયાના સાધુને, અને ઢુંઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે. ક્રુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી; એકબીજાને મળવા દે તો તો કષાય ઓછા થાય, નિંદા ઘટે.
૧. માલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વહોરાજી બેઠા હતા, તેમને ગાડું હાંકનારે કહ્યું, “રસ્તો ખરાબ છે માટે, વહોરાજી, નાડી પકડજો, નહીં તો પડી જશે." રસ્તામાં ઘાંચ આવવાથી આંચકો આવ્યો કે વહોરાજી નીચે પડ્યા. ગાડાવાળાએ કહ્યું કે, “ચેતાવ્યા હતા ને નાડી કેમ ન પકડી ?' વહોરાજી બોલ્યા, "આ નાડું પકડી રાખ્યું. હજી છોડ્યું નથી." એમ કહી સૂંઘણાનું પકડેલું નાડું બતાવ્યું.
ન