________________
૭૪૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૮૮ પદાર્થને વિષે અચિંત્ય શક્તિ છે. દરેક પદાર્થ પોતપોતાના ધર્મનો ત્યાગતા નથી. એક જીવે પરમાણુરૂપે ગ્રહેલાં એવાં જે કર્મ તે અનંત છે. તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે તે સઘળા નિગોદ આશ્રયી થોડા અવકાશમાં રહેલા છે, તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે; પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે, તે સામર્થ્યધર્મે કરી થોડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરીસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, તોપણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેવી નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે છે, તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં મોટાં એવાં ઘણાં ઘરો તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તો, આંખથી કરી પોતાના કંદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટે ભાગે જોઈ ન શકાય; અથવા અરીસામાં ઘણાં ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઈને થોડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે.
૮૯ આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જોકે પરભાવનું વિવેચન છે, તોપણ તે કારણસર છે, અને સહેતુ કરવામાં આવેલું છે.
૯૦ ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે.
૯૧ પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે; ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે; અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.
હર જીવ પોતાને જે અલ્પજ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે જ્ઞેયપદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઇચ્છે છે, તે ક્યાંથી થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. જ્ઞેયપદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતાં તેથી મોટો જ્ઞેયપદાર્થ તેને વિષે દોષ કાઢે છે, પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિષેનું કારણ માનતો નથી.
૯૩ જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગુંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી; માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. જે સારભુત છે તે જોવા સારુ આ ‘આત્મા સદ્ભાવવાળો છે'. ‘તે કર્મનો કર્તા છે”, અને તેથી (કર્મથી) તેને બંધ થાય