________________
૭૬ફ
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેવું શાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગોએ કાંઈ ભેદ જોવામાં આવે તો તેમ થવું ક્ષયોપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી.
૨૮ જ્ઞાનીઓ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, પાંચે ઇંદ્રિયો પૂર્ણ હતી; (પાંચે ઇંદ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય.) છતાં આ સંસાર (ઇંદ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે કોયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે.
૨૯ અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુઙૂર્તમાં મુક્તપણે બતાવ્યું છે !
૩૦ જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.
૩૧ અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે; પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઈ કહે છે, યદ્યપિ જો તેનો સાચો, જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા; અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં.
૩૨ વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિષે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું.
܀܀܀܀
૫
મોરબી, અષાડ સુદ ૮, ગુરુ, ૧૯૫૬
૧ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે. ૨ સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે, તે સોના માફક શુદ્ધ છે.
૩ કર્મ વડે સુખદુઃખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઇચ્છકને માટે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે.
૪ તે માર્ગ (મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે.
૫ જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે ‘સમ્યજ્ઞાન'.
૬ જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ તત્ત્વો છે. અત્રે પુણ્ય, પાપ આસવમાં ગણેલાં છે. ૭ જીવના બે ભેદઃ- સિદ્ધ અને સંસારી.
સિદ્ધ સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છેઃ- (૧) તીર્થ. (૨) અતીર્થ. (૩) તીર્થંકર. (૪) અતીર્થંકર. (૫) સ્વયંબુદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધ. (૭) બુદ્ધબોધિત. (૮) સ્ત્રીલિંગ. (૯) પુરુષલિંગ. (૧૦) નપુંસકલિંગ. (૧૧) અન્યલિંગ. (૧૨) જૈનલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ. (૧૪) એક. (૧૫) અનેક.
સંસારીઃ- સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે.
એક પ્રકારે સામાન્યપણે ‘ઉપયોગ’ લક્ષણે સર્વ સંસારી જીવો છે.
બે પ્રકારે ત્રસ, સ્થાવર અને વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સુક્ષ્મ નિર્ગોદમાંથી નીકળી એક વખત ત્રસપણું પામ્યા છે તે 'વ્યવહારરાશિ’.