________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૩૫
દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે. તેમાં અતિશય મમતા મૂર્છા હોવાથી ત્યાંથી ચવીને તે હીરા આદિમાં એકેંદ્રિયપણે અવતરે છે.
જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ! તે તો અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાનો ઉપાય કરે તે જાણપણું.
પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કરે તો દોષ ટળવાનું કારણ થાય. જીવના દોષ ઘટે, ટળે તો મુક્તિ થાય. જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ
પાંચ વરસ થયાં એક બીડી જેવું વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયું નહીં. અમારો ઉપદેશ તો જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવો. આ કાળમાં ઘણા જીવ વિરાધક હોય છે અને નહીં જેવો જ સંસ્કાર થાય છે.
આવી વાત તો સહેજમાં સમજવા જેવી છે અને સહેજ વિચાર કરે તો સમજાય એવી છે કે મન વચન કાયાના ત્રણ યોગથી રહિત જીવ છે, સહજસ્વરૂપ છે, જ્યારે એ ત્રણ યોગ તે ત્યાગવાના છે ત્યારે આ બહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતો હશે ? એ આશ્ચર્ય ઊપજે છે ! જીવ જે જે કુળમાં ઊપજે છે તેનો તેનો આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધો હોત તો તેનો આગ્રહ થઈ જાત; જો તપામાં હોય તો તપાનો આગ્રહ થઈ જાય. જીવનું સ્વરૂપ ઢુંઢિયા નથી, તપા નથી, કુલ નથી, જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવો એ કેવું અજ્ઞાન છે ! જીવને લોકને સારું દેખાડવાનું જ બહુ ગમે છે અને તેથી જીવ વૈરાગ્ય ઉપશમના માર્ગથી રોકાઈ જાય છે. હાલ હવેથી અને પ્રથમ કહ્યું છે. દુરાગ્રહ અર્થે જૈનનાં શાસ્ત્ર વાંચવાં નહીં. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવું જ કરવું. એમાં (માગધી ગાથાઓમાં) ક્યાં એવી વાત છે કે આને કુંઢિયો કે આને તપો માનવો ? એવી વ્યાખ્યા તેમાં હોતી જ નથી.
(ત્રિભોવનને) જીવને ઉપાધિ બહુ છે. આવો જોગ મનુષ્યભવ વગેરે સાધન મળ્યાં છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે ? ક્યાં કરશે ?
જીવ જ પરમાધામી (જન્મ) જેવો છે, અને જમ છે, કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનું કારણ જીવ અહીંથી કરે છે.
પશુની જાતિનાં શરીરોનાં દુઃખ પ્રત્યક્ષ જીવ જાએ છે, જરા વિચાર આવે છે અને પાછો ભૂલી જાય છે. પ્રત્યક્ષ લોક જુએ છે કે આ મરી ગયો, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દેઢ કરવા સારુ વારંવાર તે જ વાત કહી છે. શાસ્ત્ર તો પરોક્ષ છે અને આ તો પ્રત્યક્ષ છે પણ જીવ પાછો ભૂલી જાય છે, તેથી તે ને તે વાત કરી છે.