________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
જીવ નિપક્ષી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડ્યા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે.
૭૩૧
બાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિઓ કરતા નથી. તેમને લૂગડાં આદિ પરિગ્રહનો મોહ મટ્યો નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં બે વાર લે છે. જે જ્ઞાનીપુરુષના વચનથી આત્મા ઊંચો આવે તે સાચો માર્ગ, તે પોતાનો માર્ગ. આપણો ધર્મ સાચો પણ પુસ્તકમાં છે. આત્મામાં ગુણ પ્રગટે નહીં ત્યાં સુધી કંઈ ફળ આપે નહીં. ‘આપણો ધર્મ’ એવી કલ્પના છે. આપણો ધર્મ શું ? મહાસાગર કોઈનો નથી; તેમ ધર્મ કોઈના બાપનો નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળો. તે કોઈના બાપનાં નથી. અનાદિ કાળનાં છે; શાશ્વત છે. જીવે ગાંઠ પકડી છે કે આપણો ધર્મ છે, પણ શાશ્વત માર્ગ છે ત્યાં આપણો શું ? શાશ્વત માર્ગથી સહુ મોક્ષે ગયા છે. રજોહરણો, દોરો કે મુમતિ, કપડાં કોઈ આત્મા નથી.
કોઈ એક વહોરો હતો. તે ગાડામાં માલ ભરીને સામે ગામ લઈ જતો હતો. ગાડાવાળાએ કહ્યું કે, ‘ચોર આવશે, માટે સાવચેત થઈને રહે, નહીં તો લૂંટી લેશે.’ પણ તે વહોરાએ સ્વચ્છંદે કરી માન્યું નહીં ને કહ્યું કે, ‘કંઈ ફિકર નહીં !' પછી માર્ગમાં ચોર મળ્યા, ગાડાવાળાએ માલ બચાવવા મહેનત કરવા માંડી પણ તે વહોરાએ કંઈ ન કરતાં માલ ઉપાડી જવા દીધો; ને ચોરો માલ લૂંટી ગયા. પણ તેણે માલ પાછો મેળવવા કંઈ ઉપાય કર્યો નહીં. ઘેર ગયો ત્યારે શેઠે પૂછ્યું કે, ‘માલ ક્યાં ?’ ત્યારે તેણે કહ્યું કે, ‘માલ તો ચોર લૂંટી ગયા.' ત્યારે શેઠે પૂછ્યું કે, ‘માલ પકડવા માટે કંઈ ઉપાય કર્યો છે ?' ત્યારે તે વહોરાએ કહ્યું કે, ‘મારી પાસે ભરતિયું છે. તેથી ચોર માલ લઈ જઈને શી રીતે વેચશે ? માટે તે મારી પાસે ભરતિયું લેવા આવશે ત્યારે પકડીશ.' એવી જીવની મૂઢતા છે, 'આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે. શાસ્ત્રો આપણી પાસે છે.' એવું મિથ્યાભિમાન જીવ કરી બેઠો છે. ક્રોધ, માન, માયા, લોભરૂપી ચોર રાતદિવસ માલ ચોરી લે છે, તેનું ભાન નથી.
તીર્થકરનો માર્ગ સાચો છે. દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. વૈષ્ણવના કુળધર્મનાં કુગુરુઓ આરંભપરિગ્રહ મૂક્યા વગર લોકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે; અને તે રૂપી વેપાર થઈ પડ્યો છે. તે પોતે અગ્નિમાં બળે છે, તો તેનાથી બીજાની અગ્નિ શી રીતે શાંત થાય ? જૈનમાર્ગનો પરમાર્થ સાચા ગુરુથી સમજવાનો છે. જે ગુરુને સ્વાર્થ હોય તે પોતાનું અકલ્યાણ કરે; ને શિષ્યોનું પણ અકલ્યાણ થાય.
જૈનલિંગધારીપણું ધરી જીવ અનંતી વાર રખડ્યો છે. બાહ્યવર્તી લિંગધારી લૌકિક વ્યવહારમાં અનંતી વાર રખડ્યો છે. આ ઠેકાણે જૈનમાર્ગને નિષેધતા નથી; જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે ‘જૈન’. બાકી તો અનાદિ કાળથી જીવે ખોટાને સાચું માન્યું છે; અને તે જ અજ્ઞાન છે, મનુષ્યદેહનું સાર્થક ખોટા આગ્રહ, દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તો છે, જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટ્યા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતની કિંમત જાણવાની શક્તિ વગર ઝવેરીપણું માનવું નહીં. અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. સતનું ઓળખાણ હોય તો કોઈ વખત પણ સાચું ગ્રહણ થશે.
૧૪
આણંદ, ભા. વદ ૦)), મંગળ, સં. ૧૯૫૨
જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, સમજું છે એમ માનતો હોય તેણે દેહને વિષે રોગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તો તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડહાપણ, ક્યાં ગયાં ? તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય ? જો તરવાનો કાર્મી