________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૨૭
અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં, આત્મસાધન વગર કલ્યાણ થતું નથી.
બાહ્ય અને અંતર્ બન્ને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેનો સંગ કરવો. કલાઈનો અને ચાંદીનો રૂપિયો સરખો કહેવાય નહીં. કલાઈ ઉપર સિક્કો પાડો; પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પાડો તોપણ તેની કિંમત જાય નહીં. તેવી જ રીતે ગૃહસ્થપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તો તેની કિંમત જાય નહીં. સહુ કહે છે કે અમારા ધર્મથી મોક્ષ
છે.
આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તો. મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છોડે. ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે.
પછી
૧૨
આણંદ, ભા. વદ ૧૩, રવિ, ૧૯૫૨
સંસારમાં મોહ છે; સ્ત્રીપુત્રમાં મારાપણું થઈ ગયું છે; ને કષાયનો ભરેલો છે તે રાત્રિભોજન ન કરે તોપણ શું થયું ? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય.
હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાય સમકિતી સમજવા નહીં, તેને દાન દેવામાં હાનિ નથી; પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતો નથી. જે સાધુ એકલી બાહ્ય ક્રિયાઓ કર્યા કરે છે તેમાં જ્ઞાન નથી.
જ્ઞાન તો તે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.
મનુષ્યઅવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહી, પોતાના દોષ જોયા નહીં; આત્માને નિદ્યો નહીં; તો તે મનુષ્યઅવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે.
જીવ ખોટા સંગથી, અને અસદ્ગુરુથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે ? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનીપુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યકત્વ થાય.
ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય.
‘છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું' એમ કેમ વિચારતો નથી ?
આયુષનાં આટલાં વર્ષો ગયાં તોપણ લોભ કાંઈ ઘટ્યો નહીં; ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં; ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં; ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે દશ હજાર રૂપિયાની તો સમતા આવે. આટલું મળ્યા પછી ધર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવાય.
કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. જેમ રાત્રિભોજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોળાં પાડવાં. તે મોળાં પાડવાથી પરિણામે સમ્યકત્વ પ્રાપ્ત થાય. વિચાર કરે તો અનંતાં કર્મો મોળાં પડે; અને વિચાર ન કરે તો અનંતાં કર્મો ઉપાર્જન થાય.
રોગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી, છોકરાંછેયાં, ભાઈ કે કોઈ પણ તે રોગ લઈ શકતાં નથી !