________________
૭૨૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પુસ્તકો વાંચવા, ‘મોહમુગર, મણિરત્નમાળા' વગેરે.
દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાનાં સાધનો છે. અંતરસ્પર્શે તો વિચારને મોટો ટેકો મળે છે. અત્યાર સુધીનાં સાધનો વિભાવના ટંકા હતા; તેને સાચાં સાધનોથી જ્ઞાનીપુરુષો હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાનાં છે.
સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇંદ્રિયોનું લબ્ધપણું ન જાય તો સત્યમાગમમાં આવ્યો નથી એમ સમજવું. સત્ય બોલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં, સત્પુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લો. જ્ઞાનીપુરુષ પરમાર્થનો જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચાં સાધનો સેવવાં યોગ્ય છે.
સમકિતનાં મૂળ બાર વ્રતઃ- સ્થૂળ પ્રાણાતિપાત; સ્થૂળ મૃષાવાદ આદિ. બધાં સ્થૂળ કહી જ્ઞાનીએ આત્માનો ઓર જ માર્ગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છેઃ- (૧) સમકિત વગર બાહ્મવ્રત છે; (ર) સમકિતસહિત અંતર્વૃત્ત છે. સમકિતસહિત બાર વ્રતનો પરમાર્થ સમજાય તો ફળ થાય.
બાહ્યવ્રત અંતર્વ્રતને અર્થે છે; જેવી રીતે એકડો શીખવા માટે લીટોડા છે તેમ. પ્રથમ તો લીટોડા કરતાં એકડો વાંકોચૂકો થાય; અને એમ કરતાં કરતાં પછી એકડો બરાબર થાય.
જીવે જે જે સાંભળ્યું છે તે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે ? કેટલુંક સમજાવે ? સમજાવવાની રીતે સમજાવે. મારીકૂટીને સમજાવ્યે આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ કર્યાં તે તે અફળ ગયાં, માટે હવે સત્પુરુષની દૃષ્ટિએ તેનો પરમાર્થ જુદો જ સમજાશે. સમજીને કરો. એક ને એક વ્રત હોય પણ મિથ્યાર્દષ્ટિની અપેક્ષાએ બંધ છે; અને સમ્યકૃર્દષ્ટિની અપેક્ષાએ નિર્જરા છે. પૂર્વે જે વ્રતાદિ નિષ્ફળ ગયાં છે તે હવે સફળ થવા યોગ્ય સત્પુરુષનો જોગ થયો છે, માટે પુરુષાર્થ કરવો; સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યે પણ પાછા હઠવું નહીં. આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચનો શ્રવણ થતાં નથી; મનન થતાં નથી; નહીં તો દશા બદલાયા વિના કેમ રહે ?
આરંભપરિગ્રહનું સંક્ષેપપણું કરવું, વાંચવામાં ચિત્ત ચોંટે નહીં તેનું કારણ નીરસપણું લાગે છે. જેવી રીતે માણસ નીરસ આાર કરી બેસે તો પછી ઉત્તમ ભોજન ભાવે નહીં તેવી રીતે.
જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળો ચાલે છે; એટલે સત્પુરુષની વાણી ક્યાંથી પરિણામ પામે ? લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સત્પુરુષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવનું શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ને પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય.
કેટલાક શુકર્મી સંસારી જીવોને છોકરા ઉપર મોહ કરતાં જેટલો અરેરાટ આવે છે તેટલો પણ હાલના કેટલાક સાધુઓને શિષ્યો ઉપર મોહ કરતાં આવતો નથી !
તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી; સંતોષવાળો જીવ સદા સુખી.
સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય, તેનો ઉપદેશ હોય, તો દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય.
સાચા દેવ અર્હત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત. મિથ્યાત્વ તે અંતર્ગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભુલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી તો દુઃખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે.