________________
૫૯૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૭૬૭
વવાણિયા, ચૈત્ર સુદ ૩, રવિ,૧૯૫૩
પરમભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમદ્વેષથી પરિષદ્ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી,તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર,
܀܀܀܀܀
અદ્વૈષવૃત્તિથી વર્તવું યોગ્ય છે, ધીરજ કર્તવ્ય છે.
મુનિ દેવકીર્ણજીને ‘આચારાંગ’ વાંચતાં સાધુનો દીર્ધશંકાદિ કારણોમાં પણ ઘણો સાંકડો માર્ગ જોવામાં આવ્યો, તે પરથી એમ આશંકા થઈ કે એટલી બધી સંકડાશ એવી અલ્પ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે ? તે આશંકાનું સમાધાનઃ-
સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ઝર્થનો મુખ્ય માર્ગ છે; પણ તે સંયમાર્થે દેાદિ સાધન છે તેના નિર્વાને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. કંઇ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપયોગ સ્ખલિત થાય છે, અને કંઇક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઇ ભાવસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગે થઇ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.
જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું: જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ધશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે. તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.
દીર્ધશંકાદિ ક્રિયાએ પ્રવર્તતાં પણ અપ્રમત્ત સંયમર્દષ્ટિ વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી તેવી સંકડાશવાળી ક્રિયા ઉપદેશી છે, પણ સત્પુરુષની દૃષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્યદૃષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણો ઘણો વિચાર કર્તવ્ય છે. સર્વ ક્રિયામાં પ્રવર્તતાં આ દૃષ્ટિ સ્મરણમાં આણવાનો લક્ષ રાખવા યોગ્ય છે.
શ્રી દેવકીર્ણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. શ્રી લલ્લુજી આદિ
મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કર્મગ્રંથની વાંચના પૂરી થયે ફરી આવર્તન કરી અનુપ્રેક્ષા કર્તવ્ય છે.