________________
SOS
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૭૮૨
મુંબઇ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૫૩ આર્ય શ્રી સૌભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂકયાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે, જેમ જેમ તેમના અદ્દભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે,
જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખંદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યુ છે, એમાં સંશય નથી.
વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમના તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વ પ્રત્યે વિનંતિ છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે.
મોઢે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદ્ભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી.
સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તોપણ એમ જણાય છે કે સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઇ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઇ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે.
આત્મસિદ્ધિ” ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સદગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે,
܀܀܀܀܀
૭૮૩
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
મુંબઇ, અસાડ સુદ ૪, શનિ, ૧૯૫૩
શ્રી સોભાગને નમસ્કાર
શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કોઇ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે.
જન્મ, મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક ( સર્વથા ) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો