________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ નોંધ
૨૮
૬૭૩
પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધીઃ-
જે જીવને મોહનીય કર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય, તે તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવ્યે મોહનીયકર્મના બળ આગળ ટકી શકતો નથી; કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મુકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મોહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે, જ્યાં સુધી મોહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇંદ્રિયોના વિષય મોળા કરવા. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે બીજી ઇંદ્રિયોના વિષયો.
ઇન્દ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે ?
પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે, જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઈએ.
܀܀܀܀܀
૨૯
વ્રત સંબંધી:-
દરેક જીવે વ્રત લેવું હોય તો સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં. વ્રતમાં રહી શકતો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તો તેમાં મોળા પડી જવાય છે; અને વ્રતનો ભંગ થાય છે.
મારું કષાય સંબંધીઃ-
30
દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખ્યો છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે.
પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયો જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચો મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે; અને તેથી પૈસા મેળવે છે. અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લોભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતો; માટે માનરૂપી કષાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે.