________________
૬૮૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતો હોય અને ભય લાગતો નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે કૂતરો ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌદ્ગલિક સંયોગ સમજે છે. રાજ્યે મળ્યે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે.
યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં, કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તો પછી તે વિશેષ પ્રકારે પીડે છે. કષાય સત્તાપણે છે, નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા થાય નહીં,
Y:- શું વિચાર કર્યે સમભાવ આવે ?
ઉઃ- વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદાત્મ્યપણું થતું નથી. અજ્ઞાની પૌદ્ગલિક સંયોગના હર્ષનો પત્ર વાંચે તો તેનું મોઢું ખુશીમાં દેખાય, અને ભયનો કાગળ આવે તો ઉદાસ થઈ જાય, સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયનો હેતુ થાય ત્યારે તાદાત્મ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષ, શોક થાય છે, નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં.
મિથ્યાર્દષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બન્ને જાદા છે એવો જ્ઞાનીને ભેદ પડ્યો છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે.
જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધ નહીં, એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો, પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડ્યો, જેમાંથી મોટાં શસ્ત્રો રચાયાં,
સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય.
સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજાં ન ચાલે એવી જિનની આજ્ઞા છે. પ્રશ્ન:- પાંચ ઇંદ્રિયો શી રીતે વશ થાય ?
ઉ૦ઃ- વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ કૂલ સુકાવાથી તેની સુગંધ થોડી વાર રહી નાશ પામે છે, અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇંદ્રિયોમાં જિઇન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે.
જ્ઞાની પુરુષને શિષ્યે પ્રશ્ન પૂછ્યું, “બાર ઉપાંગ તો બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે બાર ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તે તો મારું કલ્યાણ થાય.' સદ્ગુરુએ ઉત્તર આપ્યો, બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે, 'વૃત્તિઓને ક્ષય કરવી.' આ વૃત્તિઓ બે પ્રકારની કહી એક બાહ્ય અને બીજી અંતર્. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતર્વૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રુપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.