________________
૭૦૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસે જ્ઞાનીપુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાનીપુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભેગ કરશે એમ ધારી બીજી તિથિ કરે તો તે આજ્ઞા પાળવા માટે કર્યુ. બાકી તિથિબિથિનો ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે.
જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત, તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્ચે તિથિની મર્યાદાનો લાભ લેવો,
આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે,
'એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે;
ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે.'
એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે.
‘નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ' એમ જે કહ્યું છે તેનો હેતુ કષાયને વોસરાવવાનો છે, પણ લોકો તો બિચારા સચોડો આત્મા વોસરાવી દે છે !
જીવે દેવગતિની, મોક્ષના સુખની અથવા બીજું તેવી કામનાની ઇચ્છા ન રાખવી.
પંચમકાળના ગુરુઓ કેવા છે તે પ્રત્યે એક સંન્યાસીનું દૃષ્ટાંતઃ એક સંન્યાસી હશે તે પોતાના શિષ્યને ત્યાં ગયો. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે ‘ટાઢ ઘણી છે, અને નાહવું પડશે.' આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે 'મેં તો જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હૂં.' શિષ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયો, અને તેને શિખામણ મળે તેમ રસ્તો લીધો. શિષ્યે જમવા પધારો' એવા માનસહિત બોલાવી જમાડ્યા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માગ્યું; એટલે તરત શિષ્યે કહ્યું: ‘મહારાજ, જળ જ્ઞાનગંગામાંથી પી લો.' જ્યારે શિષ્યે આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે ‘મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું.'
મિથ્યાર્દષ્ટિનાં પૂર્વનાં જપતપ હજી સુધી એક આત્મહિતાર્થે થયાં નથી !
આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે ‘અધ્યાત્મજ્ઞાન”. મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે 'અધ્યાત્મશાસ્ત્ર.' ભાવઅધ્યાત્મ વિના અક્ષર(શબ્દ)અધ્યાત્મીનો મોક્ષ નથી થતો, જે ગુણો અક્ષરોમાં કહ્યા છે તે ગુણો જો આત્મામાં પ્રવર્તે તો મોક્ષ થાય. સત્પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. સત્પુરુષની વાણી સાંભળે તે દ્રવ્યઅધ્યાત્મી, શબ્દઅધ્યાત્મી કહેવાય છે. શબ્દઅધ્યાત્મીઓ અધ્યાત્મની વાતો કરે, અને મહા અનર્થકારક પ્રવર્તન કરે; આ કારણથી તેઓને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીઓ શુષ્ક અને અજ્ઞાની સમજવા.
જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીઓ શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવઅધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. આ કાળમાં દ્રવ્યઅઘ્યાત્મીઓ, જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.
મોદિ વિકાર એવા છે કે સમ્યદૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે; માટે તમારે તો સમજવું કે મોક્ષમાર્ગ પામવામાં તેવાં વિઘ્નો ઘણાં છે. આયુષ થોડું છે, અને કાર્ય મહાભારત