________________
૭૧૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૯
વડવા, ભાદ્રપદ સુદ ૧૩, શનિ, ૧૯૫૨
શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં યોગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગૃહસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગદશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગદશા જેવાં રહે છે એ કેવી અદ્ભુત દશા છે ! યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી.
પુરુષાર્થ કરવાનું, અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તો લોકો ભૂલી જ ગયા છે.
માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય ? સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સંપુરુષની પ્રશસ્ત છે, બધા જોગ પુજવા યોગ્ય છે.
જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે; માટે તેવાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્વલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનોનો વિચાર ન કરે, તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં.
સદાચાર સૈવવા જોઈએ. જ્ઞાનીપુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહપરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે. સેવવા યોગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત, નિયમ કરવાં નહીં,
વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહીં; તો પછી ઊંડા આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે ? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે.
જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. અકાર્ય કરતાં જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દૃઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં.
સત્પુરુષો ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં; અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં.
લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પોતે જાગે તો બધાં વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે; પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું; તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય, તો બધાં વિપરીત કારણો મટી જાય; માટે પોતે જાગૃત રહેવું.
જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી; અર્થાત્ જીવ