________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૧૩
પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જાદો જ ભાસે, કોઈ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું થાય.
અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાન કહીએ. આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી, ઇંદ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જાદું કહેવાય. સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે ‘ઉપયોગ’. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સત્પુરુષનો બોધ લાગે છે. આયુષનો બંધ હોય તે રોકાય નહીં.
જીવે અજ્ઞાન રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. જ્યાં સુધી લોકના અભિનિવેશની કલ્પના કર્યા કરો ત્યાં સુધી આત્મા ઊંચો આવે નહીં; અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જીવો સત્પુરુષનો બોધ સાંભળે છે, પણ તેને વિચારવાનો યોગ બનતો નથી.
ઇંદ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માન લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યો તોય રખડ્યો ! ચૌદ રાજલોક જાગ્યો પણ દેહમાં રહેલો આત્મા ન ઓળખ્યો; માટે રખડ્યો ! જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તો જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં.
વ્યવહાર જેનો પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વર્તો આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય.
જીવને બંધ કેમ પડે ? નિકાચિત વિષે. - ઉપયોગ, અણઉપયોગ.
આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે. આત્મા તલમાત્ર દૂર નથી; બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે
અનુભવગોચર છે. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જાદુ જે રહ્યું ને તે છે.
આકાશ દેખાય છે તે આકાશ નથી. આકાશ ચક્ષુથી દેખાય નહીં. આકાશ અરૂપી કહ્યું છે.
આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવોચર છે. અનુમાન છે તે માપણી છે, અનુભવ છે તે હોવાપણું છે.
આત્મજ્ઞાન સહજ નથી. ‘પંચીકરણ’, ‘વિચારસાગર’ વાંચીને કથનમાત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયો છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન થાય. સમજ્યા વિના રસ્તો ભારે વિકટ છે. હીરો કાઢવા માટે ખાણ ખોદવી તે મહેનત છે, પણ હીરો લેવો તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્મા સંબંધી સમજણ આવવી દુર્લભ છે; નહીં તો આત્મા કંઈ દૂર નથી. ભાન નથી તેથી દૂર લાગે છે. જીવને કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી; પણ પોતાપણું રાખવું છે.
ચોથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમેથી પડે છે તેને ઉપશમસમ્યક્ત્વ' કહેવાય. લોભ ચારિત્રને પાડનારો છે. ચોથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક બન્ને હોય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણનાં ખરેખરાં કારણો જીવને ધાર્યામાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં પરંતુ વધારે તેવાં શાસ્ત્રોમાં ન્યાય ક્યાંથી હોય ?
વ્રત આપનારે અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપયોગ રાખવા. ઉપયોગ રાખે નહીં, ને ભાર રાખે તો નિકાચિત કર્મ બંધાય. 'ઓછું કરવું, પરિગ્રહમર્યાદા કરવી એમ જેના મનમાં હોય તે શિથિલ કર્મ બાંધે, પાપ કર્યું કાંઈ મુક્તિ હોય નહીં. એક વ્રત માત્ર લઈ અજ્ઞાનને કાઢવા ઇચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઈક ચારિત્ર હું ખાઈ ગયો છું; તેમાં તે શું મોટી વાત છે ?