________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૦૯
શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તોય જીવને જુદું ભાસે, અને જાણે કે આપણો ધર્મ નહીં. જે જીવ કદાગ્રહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય. વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે.
જેમ પોતાનું છોકરું કૂબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પોતાના છોકરા પર આવે, ને તે સારું લાગે; તેવી જ રીતે જે કુળધર્મ પોતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તોપણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, કુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હોય પણ જે કદાગ્રહરહિતપણે શુદ્ધ સમતાથી પોતાનાં આવરણો ઘટાડશે તેનું જ કલ્યાણ થશે.
સામાયિક કાયાનો યોગ રોકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે, મોક્ષનો ઉપાય અનુભવગોચર છે. જેમ અભ્યાસે અભ્યાસે કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે પણ છે.
જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય.
પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્મો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે. પ્રઃ- સમ્યકત્વ શાથી પ્રગટે ?
ઉ:- આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યકૃત્વના બે પ્રકાર છેઃ- (૧) વ્યવહાર અને (ર) પરમાર્થ, સદ્ગુરુનાં વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો; તેની પ્રતીતિ કરવી; તે ‘વ્યવહારસમ્યક્ત્વ.’ આત્માની ઓળખાણ થાય તે ‘પરમાર્થસમ્યક્ત્વ.’
અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી; માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી, વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું; આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ ‘કર્મ’ કહે છે.
સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમકિતમોદનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રક
પ્ર૦ઃ- કષાય તે શું ?
ઉઃ- સત્પુરુષો મર્ત્ય, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય.
ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ‘મિથ્યાત્વમોહનીય.'
ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્રમોહનીય.”
“આત્મા આ હશે ?' તેવું જ્ઞાન થાય તે “સમ્યક્ત્વ મોહનીય '
"આત્મા આ છે' એવો નિશ્ચયભાવ તે 'સમ્યકત્વ '
જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યાં કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નિયમથી જીવ કોમળ થાય છે, દયા આવે છે. મનમાં પરિણામો ઉપયોગસહિત જો હોય તો કર્મ ઓછાં લાગે, ઉપયોગરહિત હોય તો કર્મ વધારે લાગે. અંતઃકરણ કોમળ કરવા, શુદ્ધ કરવા વ્રતાદિ કરવાનું કહ્યું છે. સ્વાદબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો. કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડો આવે છે.