________________
૭૦૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નહીં. ખોટી ભ્રાંતિ થાય તે શંકા. ખોટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દોષ જાએ તો તે સમજણનો દોષ, પણ સમકિત જાય નહીં; પણ અણપ્રીતિએ દોષ જાએ તો મિથ્યાત્વ. ક્ષયોપશમ એટલે નાશ અને શમાઈ જવું.
૭
રાળજની ભાગોળે વડ નીચે
આ જીવે શું કરવું ? સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં થતી હોય અને સસમાગમમાં આવવાનું થાય ત્યાં આજ્ઞા, જ્ઞાનમાર્ગ આરાધે તો અને તે રસ્તે ચાલે તો જ્ઞાન થાય. સમજાય તો આત્મા સહજમાં પ્રગટે; નહીં તો જિંદગી જાય તોય પ્રગટે નહીં, માહાત્મ્ય સમજાવું જોઈએ. નિષ્કામબુદ્ધિ અને ભક્તિ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ થાય તો જ્ઞાન એની મેળે થાય. જ્ઞાનીને ઓળખાય તો જ્ઞાનપ્રાપ્તિ થાય. કોઈ જીવ યોગ્ય દેખે તો જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે. જ્ઞાન લે. જ્ઞાનીને ઓઘસંજ્ઞાએ ઓળખે તો યથાર્થ જ્ઞાન થતું નથી. ભક્તિની રીતિ જાણી નથી. આજ્ઞાભક્તિ થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું. માયાને દૂર કરતા રહેવું, જ્ઞાની બધી રીત જાણે છે.
જ્યારે જ્ઞાનીનો ત્યાગ (દેઢ ત્યાગ, આવે અર્થાત જેવો જોઈએ તેવો યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલવી દે છે; માટે ત્યાં બરાબર જાગૃત રહેવું; જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું; ભેઠ બાંધી તૈયાર થઈ રહેવું.
સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે; અને સત્સંગનો યોગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાહ્યઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્મત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્મત્યાગમાં જ્ઞાનીને દુ:ખ નથી; અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારુ સદાચરણ સેવવાનાં છે. ખોટા રંગ તે ખોટા રંગ છે. સાચો રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો, (દેહ ધારણ કરવાનું ન રહે) એમ સમજવું. જ્ઞાનીનાં વચનો પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાનીપુરુષ સંસારનાં અનંત દુઃખો મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પણ ઘણા વખતનો રોગ મટાડે છે તેમ.
ત્યાગ ઉપર હંમેશાં લક્ષ રાખવો. ત્યાગ મોળો રાખવો નહીં, શ્રાવકે ત્રણ મનોરથ ચિંતવવા. સત્યમાર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યાં જ કરવો. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દૃષ્ટાંતઃ
કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે “હું માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વિચરીશ.' ત્યારે માયાએ કહ્યું કે ‘હું તારી આગળ ને આગળ ચાલીશ.’ ‘જંગલમાં એકલો વિચરીશ.’ એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, ‘હું સામી થઈશ.' સંન્યાસી પછી જંગલમાં રહેતા. અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા. પછી માયાને કહ્યું કે ‘તું ક્યાં છે ?’ માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢ્યો છે એટલે કહ્યું કે ‘મારે આવવાનું શું કામ છે ? મારો મોટો પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલો હતો.'
માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, 'હું બધાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું, મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં.”
જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે "હું સમતાવાળો છું.' માટે ઉપયોગ જાગૃત રાખવો, માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી.