________________
૬૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લેવો એ વગેરે બાર પ્રકાર છે. સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પોતાપણે વર્તવું તે જ સ્વચ્છંદ છે એમ કહ્યું છે. સદ્ગુરુની આજ્ઞા વિના શ્વાસોચ્છવાસ ક્રિયા સિવાય બીજાં કંઈ કરવું નહીં. સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે.
સ્વચ્છંદાચારે શિષ્ય કરવો હોય તો આજ્ઞા માગે નહીં; અથવા કલ્પના કરે. પરોપકાર કરવામાં માઠી સંકલ્પના વર્તતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પો કરી સ્વચ્છંદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિઘ્ન કરે, તેમ જ આવા બધા પ્રકાર સર્વે, અને પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કહે. આ જ પોતાનું ડહાપણ, અને તેને જ સ્વચ્છંદ કહેલ છે.
જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં, તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે, આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું, બીજા કોઈ વિકલ્પ કરવા નહીં.
જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે ‘મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, યથાર્થ છે.' એમ સમજે તો સહેજે દોષ ઘટે,
જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે.
જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે 'આ સત્પુરુષ છે. આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ, અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જાએ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે.
જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સત્પુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં.
બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાવદશા ઓળખવી.
કેટલાંક કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ હૃદયકર્મ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે તો કોઈ શાસ્ત્રનો સરવાળો મળે નહીં.
તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્ફુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. 'વૃત્તિ શાંત કરી છે,' એવું અહંપણું જીવને સ્ફુર્યાથી, એવા ભુલાવાથી રખડી પડે છે.
અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિષે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્ત્તધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી, પ્રસારી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી; પણ તેને વિષે મહત્ત્વ માન્યું છે.
માટીના ઘડામાં તુચ્છતા જાણી છે એટલે તે ફૂટી જવાથી ક્ષોભ પામતો નથી. ચાંદી, સુવર્ણાદિને વિષે મહત્ત્વ માન્યું છે તેથી તેનો વિયોગ થવાથી અનેક પ્રકારે આર્ત્તધ્યાનની વૃત્તિ સ્ફુરાવે છે.
જે જે વૃત્તિમાં સ્ફુરે અને ઇચ્છા કરે તે 'આસવ' છે.