________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૬૮૯
સ્ત્રી એ હાડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તોપણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં; કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચળી શકે, એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે; એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી.
ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે, જેમ એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે, અને ચૌદે પહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે
ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે 'હવે મને ગુણ પ્રગટ્યો.' આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે.
અગિયારમા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે 'હમણાં આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી;' અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. ‘ક્રોધ કડવો છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં; તેમ માયાનું બળ ચાલે તેવું નથી’ એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લોભ ઉદયમાન થાય છે. ‘મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ, અને ઐશ્વર્ય પ્રગટ થયાં' એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેનો લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાનકે આવે છે.
આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાનીપુરુષ ત્યાગ કરાવવાને માટે કહે કે આ પદાર્થ ત્યાગી દે ત્યારે વૃત્તિ ભૂલવે છે કે ઠીક છે. હું બે દિવસ પછી ત્યાગીશ. આવા ભુલાવામાં પડે છે કે વૃત્તિ જાણે છે કે ઠીક થયું, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. એટલામાં શિથિલપણાનાં કારણો મળે કે "આ ત્યાગવાથી રોગનાં કારણો થશે; માટે હમણાં નહીં પણ આગળ ત્યાગીશ.' આ રીતે વૃત્તિઓ છેતરે છે.
આ પ્રકારે અનાદિકાળથી જીવ છેતરાય છે. કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે "એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ ?' આમ થાય છે; પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું, આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.
કોઈ અભિમાની જીવ એમ માની બેસે છે કે ‘હું પંડિત છું, શાસ્ત્રવેત્તા છું, ડાહ્યો છું, ગુણવાન છું, લોક મને ગુણવાન કહે છે', પણ તેને જ્યારે તુચ્છ પદાર્થનો સંયોગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તો ખરો કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! જેમ એક પાઈની ચાર બીડી મળે છે, અર્થાત્ પા પાઈની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તું અપૂર્વ જ્ઞાનીનાં વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ધુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી ! પા પાઈની બીડીથી જો એમ થઈ જાય છે, તો